જે લક્ઝુરિયસ એપાર્ટમેન્ટના રહેવાસીઓએ વરસો પહેલાં ફેરિયાઓને અંદર આવવા માટે ‘નો એન્ટ્રી’નાં બોર્ડ મારી દીધાં હતાં એમને ફેરિયાઓનાં ‘મ્યુઝિક’માં શું સમજ પડે ? (એમની તો બપોરની ઊંઘ ખરાબ થઈ જાય ને !)
ફેરિયાઓ, અમારા હિસાબે વરસો જુના ભારતીય કલ્ચરની અસલી પહેચાન છે. અમે નાના હતા ત્યારે અમારી સરકારી કોલોનીમાં એક મોટી મૂછોવાળો, પાઘડીધારી ફેરિયો ખભે મોટું પોટલું ઉપાડીને કંઈ ભેદી-ભારે અવાજે બોલતો: “તા... ર કશ્યપ!”
અમને તે વખતે ખબર જ નહોતી પડતી કે આ મૂછ્છડ કોઈ ‘કશ્યપ’ ભાઈનું નામ કેમ લેતો ફરે છે ? પાછળથી ખબર પડી કે એ ‘તાર કસ્સબ’ એવું બોલતો હતો ! હવે પૂછો, કે ‘તાર કસબ’ એટલે શું ? તો મારા ભાઈ, એ જમાનામાં જે મોંઘેરી સાડીઓની બોર્ડરમાં સોના-ચાંદીના તાર આવતા હતા, તેને આ ફેરિયો પૉલિશ કરીને ચમકાવી આપતો હતો.
બીજો એવો જ ભેદી ફેરિયો આવતો. રંગ કોલસા જેવો, હાઈટ છ ફૂટની, માથે કાળો સાફો, શરીરે મેલો ઝભ્ભો, નીચે કંઈ લૂંગી જેવું વસ્ત્ર અને ખભે કંઈ વિચિત્ર આકારનું ધનૂષ ! ચાલતાં ચાલતાં થોડી થોડી વારે એ ધનુષનો જાડો તાર આંગળી વડે છેડીને “ઢોઈંગ... ઢોઈંગ...” એવો અવાજ કાઢતો !
રડતાં બાળકોને ચૂપ કરવા માટે તે વખતની મમ્મીઓ આ ફેરિયાને બતાડીને કહેતી “જો ! બાવો આયો !” બાવાનો પેલો “ઢોઈંગ... ઢોંઈગ...” અવાજ સાંભળીને બાબલું એવું ડરી જતું કે એક કલાક સુધી હેબતાઈને બેસી રહેતું ! અમે શરૂ શરૂમાં એ “ઢોંઈગ-બાવા”થી બહુ ડરતા. પછી એક દિવસ જોયું કે એ ધનૂષ વડે તે ઘરઘરના ગોદડાંનું રૂ પીંજી આપવાનું કામ કરતો હતો ! કોઈ ઝાડ નીચે ચાદર પાથરીને તે રૂ પીંજવા બેઠો હોય ત્યારે એનું ‘ઢોંઈગ ઢોંઈગ’નું મ્યુઝિક સાંભળવા માટે ટેણિયાઓનું નાનકડું ટોળું ભેગું થઈ જતું !
ચાલો, ડરામણા ફેરિયાઓને છોડીને મનોરંજક ફેરિયાની વાતો કરીએ. અમારી કોલોનીમાં સાંજના ચારેક વાગે એક છોકરો ખભે પોટલું નાંખીને આવતો અને મીઠા સૂરીલા અવાજે પોકરતો... “એ... તાજાં ને ગળેલાં ફાલસેએએ... ફાલસા !” એક આનામાં મુઠ્ઠી ભરાય એટલા ફાલસા મળતા. જોકે મમ્મીએ એક આનો આપવાની ના પાડી હોય તો અમે ટેણિયાંઓ ભેગા થઈને એને ચીડવતા : “કાચાં ને સડેલાં ફાલસેએએ.... ફાલસા !”
એ સમયે ફેરિયાઓ ઘડિયાળનું કામ કરતા. સવારે સાડા આઠ વાગે એટલે ‘શાકભાજીઈઈઈયાં !’ એવું લગભગ ભજીયાંની લારીવાળાનું સ્લોગન બોલનારો ફેરિયો શાકની લારી લઈને નીકળ્યો જ હોય ! બીજો એક કેળાંવાળો હતો. એ બરોબર દસ વાગે અમારા ઘરની આસપાસ હોય. એનું સ્લોગન હતું “લઈ લો, કેળાં બદામ !!” અમને તો હજી નથી સમજાયું કે કેળાંમાં બદામનાં કયા ગુણ હોય છે !
દરેક ફેરિયાની પોતાની એક મ્યુઝિકલ ‘સિગ્નેચર ટ્યૂન’ હોય છે. નાનપણમાં અમારી કોલોનીમાં શાક વેચવા આવતા એક ધોળી મૂછોવાળા કાકા બિલકુલ કાઠીયાવાડી દોહાના લહેજામાં ગાતા. “એઈને... રીંગણા આયાં, વાલોળ આઈ, પાપડી આઈ, દૂધી આઈ... લઈ લો મેથીની ભાજીઈઈઈ... બા !”
લીલી વરિયાળીની ઝુડીઓ વેચતા લગભગ તમામ ફેરિયાઓ ગાતા હોય છે “લીલી વરિયાળી આઈ, લીલી વરિયાળી આઈ, લીલી વરિયા...ળી!” એ વખતે એમના સૂરો ‘નાગિન’ ફિલ્મની બીન સાથે મેચ થઈ જાય એવા નીકળતા. ફેરિયાઓની ‘કોલર ટ્યૂનો’ ઘણીવાર ‘કોડ-લેન્ગવેજ’ જેવી રહેતી. સાતમા સપ્તક જેટલી ઊંચી ‘ઇઇઇઇ...’ સંભળાય એટલે ગૃહિણી સમજી જતી કે પસ્તીવાળો છે !
તમે આજે પણ વહેલી સવારે ઊઠો તો સાંભળજો. ઘેર ઘેર દૂધ આપી જનારો જે રીતે “દૂ...ધ !” બોલે છે એમાં કોઈ વાંદરો “હૂઉઉપ!” કરતો હોય એવું જ સંભળાય છે ! આમાં જે તે ઘરની ગૃહિણીને જ ખબર હોય છે કે એના કામનું ‘હૂઉઉપ !’ કયું છે !
***
- મન્નુ શેખચલ્લી
e-mail : mannu41955@gmail.com
Comments
Post a Comment