ગ્રીન ઝોનમાં લગ્નો કેવાં હશે ?!


સૌથી પહેલાં તો, જે કંકોત્રી હાથોહાથ મોકલી હશે તેની ઉપર લખ્યું હશે : “કંકોત્રી વાંચતા પહેલાં સેનિટાઇઝરથી ધોઈ લેવી !”

***

ગ્રીન ઝોનમાં જાન તો અવશ્ય કાઢી શકાશે પણ જાનૈયાઓએ ‘સોશિયલ ડિસ્ટન્સ’ જાળવી રાખવું પડશે.

આ હિસાબે કોઈપણ જાનની લંબાઈ 3 કિલોમીટરથી વધારે રાખી શકાશે નહિં.

***

રોડ ઉપર નાચી રહેલા જાનૈયાઓએ એકબીજાથી મિનિમમ 1 મીટરનું અંતર રાખવું પડશે.

આના કારણે રોડ ઉપર ગવાતા ગરબાની લંબાઈ કે પહોળાઈ 1 કિલોમીટરથી વધારે નહીં રાખી શકાય.

***

સૌએ માસ્ક પહેરવાં ફરજિયાત હશે પરંતુ કન્યા તથા વરરાજાના ખાસ સગાંવ્હાલાંના ફેસ આસાનીથી ઓળખી શકાય તે માટે તેમણે માસ્ક ઉપર પોતાનાં નામો મોટા અક્ષરે લખી રાખવા પડશે.

***

લગ્નમંડપમાં ગોર મહારાજ, કન્યા, વરરાજા, વેવાઈ-વેવાણ વગેરે વચ્ચે મિનિમમ 1 મીટરનું અંતર રાખવું પડશે.

***

વિધિના અંતે કન્યાના મા-બાપ પોતાના ગ્લોવ્ઝ પહેરેલા હાથે પોતાની કન્યાનો ગ્લોવ્ઝ પહેરેલો હાથ વરરાજાના ગ્લોવ્ઝ પહેરેલા હાથમાં આપશે.

***

બુફે ડિનર માટેની સોશિયલ ડિસ્ટન્સવાળી લાઈન જો પાર્ટી-પ્લોટથી છેક મેઈન બજાર સુધી લંબાવવાની હોય તો ટ્રાફિક પોલીસની પરમિશન લેવી પડશે.

***

માત્ર જમતી વખતે માસ્ક ખોલવાની છૂટ મળશે. તે સિવાય વારંવાર પાણી પીવાના બહાને માસ્ક ખોલવા દેવાશે નહિં.

***

અને હા, માવો ખાઈને પોતાના માસ્કમાં જ થૂંકવાનો રહેશે... જલુલ જલુલથી આવજો !

***

- મન્નુ શેખચલ્લી

Comments