ડોક્ટર-પોલીસની સરખામણી


આખા દેશને ડૉક્ટરો તથા પોલીસમેનો માટે માન છે. આવા સમયે બન્નેની સેવાઓને બિરદાવતા રહીને તેમની હળવી સરખામણી કરવાનું મન થાય છે.

***

પોલીસ તમને ડંડા મારે છે. ડોક્ટર ઇંન્જેક્શન મારે છે.
બન્ને વખતે તમે ચીસ પાડો છો પણ છેવટે તો એ તમારા જ સારા માટે છે.

***

પોલીસ તમને ઘરમાં રહેવા કહે છે.
ડોક્ટરો પણ એવું જ કહે છે.
એટલું જ નહિ, અડધો અડધ ડોક્ટરો તો પોતે જ ઘરમાં  છે !

***

ડોક્ટર આગળ જઈને માણસ પોતાની તકલીફો કહેવા માંડે છે.

પોલીસનું પણ એવું જ છે. જેવા પોલીસ પકડે કે તરત જ માણસ પોતાની તકલીફો કહેવા માંડે છે !

***

ડોક્ટર આગળ તો મોં ખોલવું જ પડે છે.

પોલીસ આગળ મોં ના ખોલો તો એમને તમારું મોં ખોલવાતાં આવડે છે !

***

પોલીસને દંડ ચૂકવવો પડે છે.
ડોક્ટરને બિલ ચૂકવવું પડે છે.

ડોક્ટર કહે છે કે પ્લીઝ ‘દાખલ’ થઈ જાવ તો આપણે આનાકાની નથી કરતા.
પણ પોલીસ ‘અંદર દાખલ’ થવાનું કહે ત્યારે સાંધા ઢીલા થઇ જાય છે !

***

ડોક્ટર કહે છે કે પાન મસાલા, બીડી, સિગારેટ, તંબાકુ, દારૂ વગેરેનું સેવન ના કરો.
પણ આપણે માનતા નથી. એમાં જ માંદા પડીએ છીએ.

પોલીસ પણ એ જ કહે છે.
આપણે ઝખ મારીને માનવું પડે છે.
એમાં જ સાજા થઈ રહ્યા છીએ !

***

પણ તમે જોજો, માણસ હોસ્પિટલથી છૂટે કે જેલમાંથી છૂટે... બન્ને વખતે એની ફિલીંગ્સ સેઇમ હોય છે ! હાશ... છૂટ્યા...

***

- મન્નુ શેખચલ્લી

Comments