કયા ઝોનમાં શું થઈ શકે અને શું નહિ તેની સમજણ તો સરકારે આપી દીધી છે પરંતુ હજી કેટલીક સ્પષ્ટતાઓ બાકી છે ! તો, સમજી લો...
***
રેડ ઝોનવાળો પતિ
ભજીયાંની ફરમાઇશ કરી શકશે પણ પત્ની બનાવી આપે તે ખાઈ લેવાં પડશે.
ઓરેન્જ ઝોનવાળો પતિ
બીજાની પત્ની કેવાં ભજીયાં બનાવે છે તે જોવા અને ચાખવા માટે બહાર નીકળી શકશે.
ગ્રીન ઝોનવાળો પતિ
પત્ની કી ઐસી તૈસી કરીને ભાઇબંધો જોડે લારી ઉપર જઈને ગરમાગરમ ભજીયાં ખાઈ શકશે.
***
રેડ ઝોનવાળી પત્ની
પતિ પાસે કચરાં, પોતા, વાસણ તથા રસોઈ કરાવી શકશે.
ઓરેન્જ ઝોનવાળી પત્ની
કામવાળીને બતાવી શકશે કે જો, મારો પતિ કેટલું સરસ કામ કરે છે... વિચારી લેજે, હવે તારે નોકરી કરવી છે કે નહિ.
ગ્રીન ઝોનવાળી પત્ની
પતિ ઉપર કડક નજર રાખશે કે પતિ પેલી કામવાળીને જ્યાં ને ત્યાં ‘મદદ’ કરવા તો નથી પહોંચી જતો ને !
***
રેડ ઝોનવાળા નેતા
દોઢ ડાહ્યા થયા વિના ચૂપચાપ પોતાના ઘરમાં બેસી શકશે.
ઓરેન્જ ઝોનવાળા નેતા
પોતાના વિસ્તારમાં સૌથી ‘સેફ’ એરિયામાં જઈને જનસંપર્ક કરતા હોય તેવા વિડીયો ઉતારી શકશે.
ગ્રીન ઝોનવાળા નેતા
પોતાના ફાર્મ હાઉસમાં પાર્ટીઓ કરી શકશે કેમ કે મિડીયાનું ધ્યાન રેડ ઝોનમાં છે.
***
રેડ ઝોનવાળા કવિ
સલામત છે. હજી રોજની બબ્બે કવિતાઓ સોશિયલ મિડિયામાં ચડાવી શકે છે.
ઓરેન્જ ઝોનવાળા કવિ
ઘરમાં આવનારો માણસ વીફરેલો ‘શ્રોતા’ તો નથી ને, તેની ખાતરી કર્યા પછી જ દરવાજો ખોલી શકે છે.
ગ્રીન ઝોનવાળો કવિ
ઓર્થોપેડિક હોસ્પિટલનાં ફોન નંબરો રેડી રાખવા.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment