પૈંડું... અમારું બાળપણનું વાહન !


આજના યંગસ્ટર્સને કહીએ તો એ લોકો નવાઈ, આશ્ચર્ય અને આઘાત સાથે આપણી સામું ફાટી આંખે જોતા જ રહે ! બિચારાઓ શી રીતે કહી શકે કે “અંકલ... પૈડું ?? આઇ મિન, કમ ઓન, તમે આખો દહાડો પૈડું લઇને ફર્યા કરતા હતા ? ... અને હલો, શેનું પૈડું ? સ્કુટરનું, કારનું, ટ્રકનું ?”

આજની જનરેશન, જે બિચારી ટોઇલેટમાં પણ મોબાઈલ જોડે લઈને જાય છે તેને શી રીતે સમજાવવું કે બકા, તારા આ ધોળા વાળવાળા અંકલ, જ્યારે સાત-આઠ વરસના હતા ત્યારે ટોઈલેટ અને રસોડું, આ બે જ એવી જગ્યાઓ હતી જ્યાં એ પૈડું લઈને નહોતા જતા !

અને પેલો સવાલ તો હજી ઊભો જ છે : “શેનું પૈંડું?” તો જવાબ અઘરો છે. કારણ કે પૈંડું માત્ર એક જ ટાઈપનું નહોતું આવતું. એન્ડ યસ ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપના પૈંડાના ડિફરન્ટ ડિફરન્ટ મોડલને ‘ડ્રાઇવ’ કરવાની ટેકનિક પણ અલગ અલગ રહેતી !

ઓકે, હવે વધારે સસ્પેન્સ બિલ્ડ-અપ કર્યા વિના કહું તો  ’60ના દાયકામાં નાનાં ટેણિયાઓ પોતાના પર્સનલ અને કાલ્પનિક વાહન તરીકે એકાદ પૈંડું જોડે રાખતા હતા !

અમારા નવસારી જિલ્લાના નાનકડા ગામડામાં લીલા વાંસને ગોળ વાળીને અથવા જાડી લીલી વેલનું કુંડાળું બનાવીને પૈંડું બનાવવામાં આવતું. (સૂકાય એટલે મજબૂત બની જાય.) આવા પૈંડાંને ગબડાવીને, તેની સાથે સાથે ધીમી અથવા ઝડપી ચાલે ચાલતા રહીને તેને નાનકડી લાડકી વડે ‘ડ્રાઇવ’ કરવાની કળા બાળકે શીખી લેવી પડતી હતી. ભલે ને, શરીરે સાવ નાગુંપુગું હોય, છતાં એ ટેણિયું આખો દહાડો ગામમાં પૈંડું લઈને ફર્યા કરતું હોય !

ગામના વડીલો તેને કામ સોંપતા. “અલ્યા જા, છનિયાને જઈને કહે કે દામુકાકા તને તેડે... “ (બોલાવે) ટેણિયું હોંશે હોંશે ગુગલ મેસેન્જર બનીને દોડે અને સંદેશો આપી આવે !

અમે પંચમહાલના હાલોલ નામના ગામેથી (પિતાજીની બદલી થવાથી) અમદાવાદ શહેરમાં આવ્યા ત્યારે પેલા ગામડાના પૈંડાનું આધુનિક સ્વરૂપ જોઈને દંગ થઈ ગયેલા ! અહીંના ટેણિયાંઓ બે અઢી ફૂટના વ્યાસવાળાં ‘રબ્બડ’નાં પૈંડાં ફેરવતાં હતાં ! એ પણ AMTSની બસનો ‘સાઉન્ડ-ટ્રેક’ મોં વડે વગાડીને !”

શહેરની સ્કૂલમાં ભણવું હોય અને શહેરની ‘ઇન-થિંગ ગેઇમ’ સાથે કદમ મિલાવવા હોય તો પૈંડું અમને જીવન-જરૂરિયાત જેવું લાગ્યું ! અમે પપ્પા આગળ ફરમાઇશ કરી : “પપ્પા પૈંડું લાવી આપો !” પપ્પાને નવાઈ લાગી. “પૈંડું ? કેવું પૈંડું ?”

આખરે એમને 'લાઈવ વર્કીંગ-મોડલ' બતાડ્યું ત્યારે અમને ટાયર-પંચરવાળાની દુકાને લઇ જવામાં આવ્યા. અહીં બે પ્રકારનાં પૈંડાં મળતાં હતાં. એક તો, સાવ રદ્દી થઈ ગયેલું ઢીલું-પોચું સાઈકલનું ટાયર, અથવા તો ટ્રક કે કારના મજબૂત ટાયરમાંથી કાપેલી ‘સ્લાઇસ’ જેવું પૈંડું !

પપ્પાને હંમેશાં ‘ટકાઉ’ ચીજો વસાવવામાં માને, એટલે અમને એવું જાડું, તંદુરસ્ત, મજબૂત પૈંડું અપાવડાવ્યું કે અમારે ડાયરેક્ટ ‘હેવી-વ્હીકલ’નું લાયસન્સ લેવું પડે તેવી હાલત થઈ ગઈ ! કહેવાનો મતલબ એટલો જ કે એ પૈંડું એટલું વજનદાર હતું કે ટર્ન મારવામાં, બ્રેક મારવામાં તથા પાર્કિંગમાં બહુ તકલીફ આપતું હતું !

છેવટે, અમે અમારા કોઈ સિનિયર ભેરુ જોડે ‘ટેમ્પરરી એક્સચેન્જ સ્કીમ’ ગોઠવી. એનું પોચું લબુકીયા જેવું સાઇકલનું ટાયર અમે રમતા અને એ ભાઈ... અમારું હેવી વ્હીકલ લઈને બીજાઓના પૈંડાંમાં એક્સિડેન્ટો કરીને દાદાગિરીઓ કરતા !

શહેરમાં પૈંડાંની બીજી પણ વરાયટીઓ હતી. એક ‘ટુ-ઇન-વન’ કમ્બાઇન પૈંડું આવતું, જેમાં લોખંડના સળિયા વડે બનેલું પૈડું તો ખરું જ, પણ એની સાથે પરમેનેન્ટ અંકોડો ભેરવીને  લોખંડનો સળિયો જોડેલો હોય, જેના વડે ‘ડ્રાઇવીંગ’ કરવાનું રહેતું ! (એનો અવાજ બહુ સરસ આવતો !)

એ સિવાય સિમેન્ટની અડધા પોણા ફૂટની પાઈપમાંથી બંગડીઓ કાપી હોય એવાં પૈંડાં આવતાં ! જેનું ‘લર્નિંગ લાયસન્સ’ જ બહું અઘરું પડતું.

ખેર, નિશાળની પરીક્ષામાં ‘પૈંડું’ ના આવે એવા ભયમાં જતે દહાડે અમારું પૈંડું છૂટી ગયું હતું.

***

- મન્નુ શેખચલ્લી

E-mail : mannu41955@gmail.com

Comments