એ જમાનાનાં ઓપન ટુ સ્કાય થિયેટરો


આકાશમાં તારા ચળકતા હોય, સરસ મઝાનો ચાંદો ઊગ્યો હોય, ખુલ્લા મેદાનમાં ઠંડી ઠંડી હવા ચાલતી હોય, આપણે પાથરણાં પાથરીને, જોડે પાણીની બોટલ, નાસ્તાની ડીશો અને શીંગચણાનાં પડીકાં ખોલીને બેઠા હોઈએ...

... અને સામે 10 ફૂટ બાય 12 ફૂટના એક પરદા ઉપર ગાયન ચાલતું હોય : “વો ચાંદ ખીલા, વો તારે હંસે, યે રાત અજબ મતવાલી હૈ....” આહાહા ! કેવી મઝા આવે નહીં ?

દોસ્તો, લોકડાઉન ખુલી જાય પછી આપણને બંધિયાર મલ્ટિપ્લેક્સોમાં જવાનો ડર લાગવાનો જ છે. એવા વખતે શું ભવિષ્યમાં આવાં ઓપન-ટુ-સ્કાય થિયેટરો હશે ? વેલ, દોસ્તો,આ કલ્પના ભવિષ્યની નથી. આ વાસ્તવિક્તા ભૂતકાળની છે.

સન 1965-67ની આસપાસ અમે અમદાવાદની સરકારી ‘L’ કોલોનીમાં રહેતા હતા. ત્યારે દર મહિને એકાદ વાર આવી સુંદર મનોરંજક રાત સહકુટુંબ માણવા મળતી હતી. (ઉપરના વર્ણનમાં ‘પાણીની બોટલ’ની જગ્યાએ બીજી કોઈ બોટલની કલ્પના કરશો તો એ કદાચ ભવિષ્યની વાત બની જશે.)

એ સમયે કોલોનીના થોડા ઉત્સાહી જુવાનિયાઓ દર મહિને ઘરે ઘરે ફરીને રૂપિયો – રૂપિયો ઉઘરાવીને, આવું એકાદ પિક્ચર ‘પાડતા’ ! વળી પિક્ચર પાડવાની જગા એક ત્રિકોણાકાર સરકારી બગીચો હતો જેમાં ચાર હિંચકા, બે લસરપટ્ટી અને એક સી-સો (Sea-Saw) સિવાય  આખા બગીચામાં છૂટાછવાયા ઘાસ સિવાય કશું નહોતું. એ ઘાસિયા-ધૂળિયા મેદાનમાં એકાદ રવિવારની રાત્રે કુટુંબો આવે, પાથરણાં પાથરે અને  પેલા નાનકડા પરદા ઉપર ફિલમ ચાલુ થાય..

એ સમયે ‘પિકચર પાડવા’ માટે અમદાવાદમાં ‘આર ટોલાટ’ એકમાત્ર ભરોસાપાત્ર નામ હતું, તમે રૂપિયા ભરી આવો એટલે એમનો માણસ તમારી પસંદગીની જુની બ્લેક-એન્ડ-વ્હાઇટ ફિલ્મની પ્રિન્ટ, એક પ્રોજેક્ટર અને બે સ્પીકરનાં ખોખાં લઇને આવી પહોંચે.... હિસાબ તો આજે ગણતાં સમજાય છે કે માથાદીઠ માંડ 20થી 25 પૈસામાં ‘પિક્ચર પડતું’ !

એ જમાનો પાછો બહુ ‘સંસ્કારી’ એટલે આસપાસની કોલોનીમાં ક્યાંક ‘સંત જ્ઞાનેશ્વર’ કે ‘હરિશ્ચંદ્ર તારામતી’ આવવાનું હોય તો બાળક-મંડળીને ચાર-ચાર આનાના સિક્કા સાથે ત્યાં જવાની છૂટ મળતી. ટુંકમાં, આખા વરસમાં માંડ 15-17 ફિલ્મો જોવા મળે. એ પણ શુધ્ધ, સંસ્કારી અને સામાજિક !

વેકેશનમાં અમારા વતનના ગામડા પાસે ચીખલી નામના ટાઉનમાં એક ‘ખાડા થિયેટર’ હતું. ઉનાળામાં તળાવનું પાણી સુકાઈ ગયું હોય ત્યાં તાડપત્રી અને ઘાસ-વાંસની પાર્ટિશન દિવાલો વડે આ થિયેટર ઊભું થતું. અહીં મોટે ભાગે દારાસિંહ-રંધાવાની ‘મારામારી’ ફિલ્મો અથવા શમ્મીકપૂર, દેવઆનંદની ‘ગાયનોવાળી’ ફિલ્મો આવતી. ટિકીટ માત્ર 30 પૈસા. છતાં અમારી ઉગ્ર ડિમાન્ડો વડીલોના બહેરા કાને અથડાઈને પાછી ફરતી.

આવા ટુરિંગ થિયેટરોના બે શો હોય. એક સાંજે 7 વાગે અને બીજો 9 વાગે. શી ખબર, એ લોકો શું ચાલાકી કરતાં, તે સવા બે કલાકની ફિલ્મો પાન-બીડી સિગારેટ-પેશાબના ઇન્ટરવલ સહિત બે કલાકમાં પતાવી નાંખતા ! ઇન્ટરવલ પછી દસેક મિનિટ સુધી ઓપન-ટુ-સ્કાય થિયેટરોની હવામાં પેશાબની ખુશ્બુ ફ્રીમાં મળતી !

અમે એસ.એસ.સી. ભણી રહ્યા ત્યાં લગી અમદાવાદના ‘ફિલ્મ-મંદિરો’ સમાન ગણાતાં થિયેટરોમાં ભાગ્યે જ કોઈ ફિલ્મ ‘અંદર જઈને’ જોવા મળી હશે.ત્યાર બાદ વડોદરાની MS યુનિવર્સીટી, ફાઇન આર્ટ્સ કોલેજમાં ભણવા ગયા ત્યારે હોસ્ટેલનાં ધાબા ઓપન-ટુ-સ્કાય થિયેટરો બની જતા. અહીં પણ હોસ્ટેલની એન્ટરટેઇનમેન્ટ કમિટીઓ આર. ટોલાટને ભરોસે હતી.

અમે પહેલી જ ફિલ્મ ‘પ્યાસા’ જોઈને સ્તબ્ધ થઈ ગયેલા : “ઓહો ! ફિલ્મ આવી પણ હોય ?” બસ,એ પછી જે ‘અસંસ્કારી’ ફિલ્મોનો ચસકો લાગ્યો, તે આજ સુધી ચાલુ છે.

***

- મન્નુ શેખચલ્લી

 

E-mail : mannu41955@gmail.com

Comments