નવાં ગીતો... લોસ્ટ ઓપોર્ચુનિટીઝ...


‘તુમ અગર મુજ કો ન ચાહો, તો કોઈ બાત નહીં, તુમ કિસી ઔર કો ચાહોગી, તો મુશ્કીલ હોગી...’

‘કબીર ખાન’ના હીરો જેવા પઝેસિવ છોકરો એ કંઈ આજકાલની વાત નથી છતાં છેક 1963માં લખાયેલા આ ગીતમાં જે ઇર્ષ્યા, જલન અને ઝનૂનની વાત છે એવું ગીત હજી સુધી લખાયું નથી. ફિલ્મ ‘કબીર ખાન’માં પણ આવું ગીત નથી. આજે વાત કરવી છે ‘લોસ્ટ ઓપોર્ચુનિટિઝ’ અર્થાત્ ગીતકારોએ ગુમાવેલી યાદગાર ગીતો લખવાની તકોની...

છપ્પાક

ઇર્ષાળુ પ્રેમી હિંસક બની જાય, મારામારી પર ઉતરી આવે, પ્રેમિકાનું ખૂન કરી નાંખે, તેની ઉપર એસિડ ફેંકી દે... આવી ઘટનાઓ આપણે સેંકડોના હિસાબે રિયલ લાઇફમાં જોઈ છે.

ફિલ્મ ‘છપ્પાક’માં આવી હીન માનસિકતા ધરાવતા પ્રેમીને સણસણતો તમાચો મારતું હોય એવા એક ગીતની જરૂર હતી કે નહીં? 

દિપીકાની એ ફિલ્મ જોવી કે ના જોવી એનો વિવાદ ઊભો કરવાની ‘તક’ ઝડપી લેવામાં આવી, પણ એક તમાચા જેવું ગીત ? લોસ્ટ ઓપોર્ચુનિટી...

મણિકર્ણિકા

ઝાંસીની લડાયક શૂરવીર રાણી લક્ષ્મીબાઈની કથા કહેતી આ ભવ્ય ફિલ્મ પરદા ઉપર આવી એ પહેલાંથી એક ગીત મશહૂર હતું : “ખુબ લડી મરદાની થી, વો ઝાંસી વાલી રાની થી...”

હિન્દી બેલ્ટનાં રાજ્યોમાં તો આ કવિતા શાળાઓમાં ભણાવાય છે છતાં ફિલ્મમાં એ ગીત ક્યાં હતું ? શું બેકગ્રાઉન્ડમાં ય એની ઝલક સાંભળવા મળી ખરી ? 

ખરેખર તો મૂળ લેખિકા શ્રી સુભદ્રાકુમારી ચૌહાનના આ ગીતનું શૂરાતન ચડી આવે તેવું રિ-મિક્સ બનાવીને ફિલ્મમાં સામેલ કરવાની જરૂર હતી. પણ લોસ્ટ ઓપોર્ચુનિટી...

ઉરી :  ધ સર્જિકલ સ્ટ્રાઇક

બેશક, ફિલ્મ જબરદસ્ત હતી. અભિનેતા વિકી કૌશલને નેશનલ એવોર્ડ પણ એનાયત થયો. પરંતુ એવી દેશભક્તિથી ભરપૂર ફિલ્મનું એકાદ દેશભક્તિભર્યું ગાયન તો જીભે ચડી જાય તેવું હોવું જોઈએ કે નહીં ? 

ફિલ્મમાં એક ડાયલોગ વારંવાર આવે છે “હાઉ’ઝ ધ જોશ ?” (ખુદ મોદી સાહેબે જાહેરસભામાં આ સંવાદને યાદ કર્યો છે.) તો શું એ જ શબ્દોને વણી લેતું કોઈ વીર રસથી ઉછળતું ગીત ના હોવું જોઈએ ? 

પણ.. ના ડીરેક્ટરને સૂઝ્યું, ના સંગીતકારને સૂઝ્યું, ના સ્ક્રીપ્ટ રાઇટરને સૂઝ્યું ! લોસ્ટ અ ગોલ્ડન ઓપોર્ચુનિટી...

સુરમા અને ગોલ્ડ

જયદીપ સૈની લિખિત ‘ચક દે ઇન્ડિયા’ મહિલા હોકી ઉપર આધારિત હતી. તે વખતે જાવેદ અખતરે લખેલું ગીત ‘ચક દે ઇન્ડિયા...’ આજે 13 વરસ પછી પણ તાજું લાગે છે ને !

એ પછી અક્ષયકુમારવાળી ‘ગોલ્ડ’ આવી ગઈ. દલજિત દોસાંની ‘સુરમા’ આવી ગઈ... પણ હોકીના એકેએક ખેલાડીને સવાર-સાંજ ઉઠતાં-બેસતાં કે પ્રેક્ટિસ કરતાં સાથે સાથે ગાવું ગમે એવું એકે ‘હોકી-સૉંગ’ ક્યાં છે ? 

જો એ ગીત હોત તો ભારત જેટલી વાર ઇન્ટરનેશનલ હોકી મેચ જીતે એટલી વાર આખા દેશમાં ગુજતું હોત ને ?... બટ, લોસ્ટ ઓપોર્ચુનિટી....

પોલિટિકલ ફિલ્મો

છેલ્લા ત્રણ ચાર વરસમાં કેટલી પોલિટિક્સ આધારિત  ફિલ્મો આવી ગઈ ? ‘એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ ‘ધ તાશ્કંદ ફાઇલ્સ’ ‘પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી’ ‘ઠાકરે’...

પરંતુ દેશની ગંદી રાજનિતીની પોલ ખોલતું એકપણ ગીત સાંભળવા મળ્યું ખરું ? અરે, એ છોડો, કમ સે કમ મોદી સાહેબ અને ઠાકરે સાહેબની જીવનગાથા ગાતાં બે ગીત તો લખાઈ શક્યા હોત કે નહીં ?

રાજકપરની ‘જાગતે રહો’માં ક્યાંય રાજકારણની વાર્તા નહોતી છતાં “મૈં જુઠ બોલિયા, કોઈના...”ના એક અંતરામાં ગીતકાર પ્રેમ ધવને નેતાઓની ખિંચાઈ કરી લીધી હતી ! બસ, આ જ ફરક છે, જુનાં અને નવાં ગીતોમાં...

***

- મન્નુ શેખચલ્લી

Comments