પેલા મોટિવેશનલ સ્પીકરો !


તમે પેલા મોટીવેશનલ સ્પીકરોના વિડીયો જોયા છે ? (વડીલોને નહિ, હું યંગસ્ટરોને પૂછું છું.) એ લોકો બે હાથ હલાવી હલાવીને મોટેથી આપણને કહે છે : “દરેકે દરેક વ્યક્તિ સ્પેશીયલ છે ! દરેકે દરેક વ્યક્તિ આ ધરતી ઉપર કંઈ ખાસ કામ કરવા માટે જન્મી છે ! તમે ઓર્ડિનરી નથી ! તમે સ્પેશીયલ છો, સ્પેશીયલ !”

અલ્યા ભઈ, ભારતમાં જો 130 કરોડ લોકો ‘સ્પેશીયલ’ બની જશે તો ‘ઓર્ડિનરી’ કામો કોણ કરશે ? રીક્ષાઓ કોણ ચલાવશે, ઓલા-ઉબરની ટેક્સીઓ કોણ ફેરવશે ?

કરિયાણાની દુકાનો અને પાનના ગલ્લા ચલાવનારા શું ‘સ્પેશીયાલિસ્ટો’ હશે ? રેલ્વેની ટિકીટબારીઓ ઉપર અને મલ્ટી-પ્લેક્સના પોપકોર્ન કાઉન્ટરો ઉપર બેસનારાઓ શું ‘ખાસ વ્યક્તિઓ’ કહેવાશે ?

પણ ના. દરેક યુવાન બાબલા-બેબલીના મનમાં ઘુસી ગયું છે કે આપણે ક્યાં આવું બધું ‘ઓર્ડિનરી-ઓર્ડિનરી’ કરવું છે ? આપણે તો આપણી અંદર રહેલી ‘ટેલેન્ટ’ને બહાર લાવવાની છે ! આમાંને આમાં ભઈલુ ફેસબુકમાં કવિતાઓ લખતો થઈ જાય છે ! એમાં વળી જો એકાદ કવિતાને સો-દોઢસો લાઈક મળી ગઈ તો એ પોતાને ‘કવિ’ માનતો થઈ જાય છે !

અલ્યા ભઈલુ ! જરા સમજ, આ જ કવિતા તું જો કોઈ છોકરીની ફેસબુકમાં એના નામે પોસ્ટ કરાવે તો સો-દોઢસોને બદલે ચારસો-પાંચસો લાઈક મળી જશે !

છોકરીઓને પણ ‘ટેલેન્ટ’ બહાર લાવવા માટે ‘ટિક-ટોક’ મળી ગયું છે. ચાલો, બે ઘડી ગમ્મત છે, મઝેદાર ચીજ છે, પરંતુ બેબલી એ જ રસ્તાને ‘પર્સનાલિટી ડેવલપમેન્ટ’નો હાઈ-વે સમજવા લાગે તો, બહેન, આગળ ‘ખોદકામ’ ચાલુ અને ‘રસ્તો બંધ’ છે !

મોટાભાગના યંગસ્ટરોને માટે ફેસબુક-ટિકટોક વગેરે બે ઘડી ગમ્મત છે. પરંતુ પેલા મોટિવેટરો આદુ ખાઈને પાછળ પડી જાય છે… ‘લગે રહો… સંઘર્ષ કરતે રહો… એક દિન સફલતા જરૂર મિલેગી…’ એમ કહીને પાનો ચડાવ્યે રાખે છે.

એમાંને એમાં જે બાબલા-બેબલીઓ ગાયન-ડાન્સ કે એક્ટિંગના તાલુકા લેવલના રાઉન્ડમાં પણ પાસ થવાને લાયક નથી હોતાં તેઓ એમનાં ‘ડ્રીમ’ને ‘ફોલો’ કરવા માંડે છે ! હે ભગવાન, એમને બચાવો !!

પેલા મોટિવેટરો તો મંડ્યા જ છે : “રોજ સુબહ ઉઠકર આઈને મેં અપને આપ કો દેખો, ઔર કહો, તુમ કર સકતે હો ! તુમ કર સકતે હો !” અલ્યા ટોપા, આઈનામાં બેબલીને ચહેરા ઉપર રોજ નવા ઉગી નીકળેલા ખીલ દેખાય છે ! વો ક્યા કર સકતી હૈ ? ખીલ સે લડ સકતી હૈ ? જબ તક પિમ્પલ્સ દૂર નહીં હોતે, લડતે રહો… લડતે રહો… એવું ?

મોટિવેટરો બીજું એક ગતકડું જુવાનિયાઓને પકડાવ્યા કરે છે “ધ્યેય હંમેશાં ઊંચું રાખો ! જે વસ્તુ પ્રાપ્ત કરવી છે તેની એક તસવીર હંમેશાં ટેબલ ઉપર રાખો ! એક દિવસ એ તમારી પાસે હશે !”

અલ્યા ટોપા, મહેમદાવાદનો એક ઘેલસઘરો કરીના કપૂરને પ્રાપ્ત કરવાનાં સપનાં જુવે  છે ! જ્યારે એ કરીના કપૂર પ્રાપ્ત કરવા જશે ત્યારે સૈફ અલી ખાન શું બેઠો બેઠો તાળીઓ વગાડશે ?

એમાં વળી અમુક મોટિવેટરો તો દુનિયાભરના કરોડપતિઓ અને અબજોપતિઓની સકસેસ સ્ટરોઓ જ સંભળાવતા રહે છે. ઝુકરબર્ગ, સ્ટિવ જોબ્સ, જેફ બોઝેસ, બિલ ગેટ્સ એવાં એવાં નામો ઉછાળીને એમની જબરદસ્ત ‘સંઘર્ષકથાઓ’ કહેતા ફરે છે. આવું બધું સાંભળીને બાબલા-બેબલીઓને લાગે છે કે પેલું અરીસામાં જોઈને કર સકતે હો, કર સકતે હો… કહેવાથી ખરેખર ચમત્કાર થતો જ હશે !

અમને એમ થાય છે કે મોટિવેટરો ઓર્ડિનરી લોકોની સકસેસ સ્ટોરીઝ કેમ નહીં કહેતા હોય ? જેમ કે…

“એક લડકા થા, વહ પઢને-લિખને મેં બડા હી એવરેજ થા. વો દિખને મેં ભી કુછ ખાસ નહીં થા. ઉસકા કોન્ફીડેન્સ લેવલ ભી બહુત લો થા. મગર ઉસને ઈન બાતોં કી કોઈ પરવા નહીં કી. વહ ચૂપચાપ કોમર્સ ગ્રેજ્યુએટ હો ગયા. એક દિન ઉસે બેન્ક મેં નોકરી મિલ ગઈ… અબ વહ કુછ હાર્ડ-વર્ક કિયે બિના અચ્છી સેલરી કમાતા હૈ. ઉસને શાદી ભી કર લી હૈ…

વહ અપને બચ્ચોં કો યહી સીખ દેતા હૈ… બેટા, દુનિયા ચાહે કિતની ભી તરક્કી કર લે, વો ઓર્ડિનરી લોગોં કે બિના કભી નહીં ચલ સકેગી !”

ઓર્ડિનરી રહો યાર, દુનિયા ઝખ મારીને તમને કોઈ નોકરી આપી જ દેશે !

***

- મન્નુ શેખચલ્લી

Comments