આ 'લોકો' કોણ છે ?


લોકો કંટાળી ગયા છે...
લોકો થાકી ગયા છે...
લોકો હેરાન થાય છે...
લોકોને કુદરતની શીખ મળી છે...
લોકો કંઈ સમજતા નથી...
લોકો બધું જ સમજે છે...

આજકાલ ‘લોકો’ વિશે ‘લોકો’નાં જાતજાતનાં મંતવ્યો છે ! આખરે, આ ‘લોકો’ એટલે શું ? એ કેવા હોય ? એક કોશિશ...

***

નેતાની નજરે...
લોકો ‘પ્રજા’ છે. એક ‘વોટ બેન્ક’ છે.
ના, જુદી જુદી ટાઈપની અલગ અલગ વોટ બેન્ક છે !
લોકો ભીડ છે, લોકો ટોળું છે, 
લોકો ઉશ્કેરણીની આગ ચાંપવા માટેનાં સૂકાં પાંદડાં છે, 
લોકો ભોળા છે, મુરખા છે, પણ ખતરનાક છે !

અને હા, 
લોકો લોકતંત્ર નામની એક મશીનરીના એવા સતત ઘસાયા કરતા સ્પેર-પાર્ટ્સ છે જેના વિના મશીનરીમાંથી પૈસા પેદા કરી શકાતા નથી !

***

મિડિયાની નજરે...
લોકો બુધ્ધિ વગરના બહેરા કાન છે.
ઇડિયટ બોક્સની સામે બેઠેલા ઇડિયટ છે.
કેમેરાની કરામત અને શબ્દોની માયાજાળના એવા પ્રેક્ષકો છે જે મનોરંજન ખાતર પણ ટેન્શન જોયા કરે છે !

મિડિયા માટે લોકો ટીઆરપી વધારતું રિમોટ છે જે રિમોટની ચાંપો છેવટે તો મિડિયાના જ હાથમાં છે !

***

સરકારી તંત્રોની નજરે...
લોકો એક જફા છે, એક મુસીબત છે, એક ત્રાસ છે.
લોકો એક અડચણ છે જે તેમના પગાર અને આરામની વચ્ચે ઊભી છે.
અમુક લોકો માત્ર અંગૂઠાની છાપ છે, 
તો અમુક લોકો આઈ-કાર્ડ છે.
બિચારા ‘લોકો’ એ લોકો છે જે કોઈ વીઆઈપીના સગા કે સંબંધી નથી.

અને હા, આપણે પોતે પણ ‘લોકો’ જ છીએ ! ખાસ કરીને રિસેસમાં...

***

અને ફિલ્મ સ્ટારો, ક્રિકેટરો તથા સેલિબ્રિટીઝ માટે
લોકો તો ‘ફોલોઅર્સ’ છે જેને આપણી થાળી, બેડરૂમ અને ટોઈલેટ સુધ્ધામાં રસ છે !

***

- મન્નુ શેખચલ્લી

Comments