માય ડિયર ઓરેન્જ ઝોનવાળા,
આજ ખુશ તો બહોત હોંગે તુમ ! છેલ્લા 40 દિવસની કેદ પછી હવે ઘરની બહાર બિન્દાસ બનીને નીકળવા મળશે !
નીકળો, બેટમજીઓ નીકળો... મારે તો એ જ જોઈએ છે ! પેલા સુરેન્દ્રનગરની પાન-તમાકુની દુકાન ઉપર જે રીતે ભીડ ઉમટી પડી હતી એ જ રીતે ઉમટી પડજો... મારે તો એ જ જોઈએ છે !
કંઈ કામ ના હોય તો ય લટાર મારવા નીકળી પડજો ! રસ્તામાં ભીડ ભીડ કરી મુકજો ! ‘અમને તો કશું થયું જ નથી, અમને તો કશું થવાનું જ નથી...’ એમ વિચારીને ફાંકો મારતાં નીકળી જ પડજો ! ... હું તો એની જ રાહ જોઈને બેઠો છું !
અમદાવાદના રેડ ઝોનમાં પણ લોકો આ જ રીતે નીકળી પડ્યા હતા ને ! એમાં જ મને મઝા પડી ગઈ, શિકારો કરવાની ! તમે પણ એમ જ કરજો... મારી ભૂખ હજી મટી નથી.
એકબીજાની જોડે હાથ મિલાવજો, ઘણા દિવસે મળ્યા છો એટલે ભેટી પડજો, જોડે બેસીને ખાણી-પીણીના જલ્સા કરજો... માસ્ક ગયું તેલ લેવા, સોશિયલ ડિસ્ટન્સ ગયું ચૂલામાં... બસ, તમે આવી જાવ મારા સકંજામાં !
ઓફિસોમાં ૩૦ ટકા જ હાજરી રાખવાની છે. તો બાકીના 70 ટકા શું મુરખા છે ? એ તો ઘરેથી એમ જ કહીને નીકળી પડશે ને, કે ઓફિસ જાઉં છું... પછી રખડશે ગામમાં, અને કરશે ભેગી ભીડ !
આવો, આવો, મને તો એ જ જોઈતું હતું !
પેલા રેડ ઝોનવાળા પણ કંઈ ઓછા નથી. હવે તો એ લોકો પણ ત્યાંથી પાછલે બારણે છટકીને તમારા ઝોનમાં આવશે ! એક એક જણ 100 જણા જોડે હાથ મિલાવશે, 50ને ભેટશે, 25ની જોડે ‘બેઠક’ કરશે !
અલ્યા, બહાર આવો ઓરેન્જ ઝોનવાળા ! ટોળેટોળાં થઈને આવો... હું તમારી જ રાહ જોતો બેઠો છું !
- તમારો વ્હાલો કોરોના.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment