જથ્થાબંધ તીડની છૂટક જોક્સ !


જયપુરમાં પેલાં તીડનાં ટોળેટોળાં ધસી આવ્યાં તેનો વિડીયો જોયો કે નહીં ? અરે, એની ‘ફની’ સાઈડ પણ જોવા જેવી છે…

***

કહે છે કે આ તીડ પાકિસ્તાને મોકલ્યાં છે !

આ જાણ્યા પછી ચીને પાકિસ્તાનને ફરિયાદ કરી છે કે અમારા ગરીબ ચીનાઓના ભોજનનો કોળિયો તમે ભારતમાં કેમ ફેંકી દીધો ?

***

દરમ્યાનમાં જયપુરની ચાઇનિઝ રેસ્ટોન્ટ અને ચાઇનિઝ ફૂડની લારીઓમાં નવી આઇટમો ઇન્ટ્રોડ્યુસ થઈ ગઈ છે :

તીડ મંચુરિયન, તીડ ડ્રાય મંચુરિયન, તીડ ફ્રાઈડ રાઈસ, તીડ મિક્સ નૂડલ્સ તથા સેઝવાન તીડ સોસ !

***

દરમ્યાનમાં જયપુરના અથાણા ઉદ્યોગના માલિકોએ પણ ચીનને ઓફર મોકલી છે કે અમે તમને આટલી આઇટમ મોકલી શકીએ છીએ :

તીડ મસાલા અથાણું, તીડ ખાટો છુંદો, તીડ મીઠો મુરબ્બો, સૂકવેલા તીડનું અથાણું અને સૂકવેલા તીડનો પાવડર !

***

દરમ્યાનમાં પાકિસ્તાને ખુલાસો કર્યો છે કે અમે તો જયપુરમાં લોકડાઉનનું પાલન સારી રીતે થાય એટલા માટે જ તીડ મોકલ્યાં છે !

***

જોકે પાકિસ્તાની તીડ અને પાકિસ્તાની આતંકવાદીઓમાં એક જ વાત કોમન છે :

બન્ને ઇન્ડિયામાં મરવા માટે જ આવે છે.

***

જયપુર મહાનગરપાલિકાએ તીડનાં ટોળાં ઉપર દવાનો છંટકાવ તો કર્યો છે પરંતુ તેની ખાસ અસર થઈ નથી.

દરમ્યાનમાં નગરપાલિકાએ ખુલાસો કર્યો છે કે એ દવા નહીં, પણ સેનિટાઇઝરનો છંટકાવ હતો ! આના કારણે તીડ દ્વારા તો કોરોના વાયરસનો ચેપ ફેલાશે નહિ !

***

દરમ્યાનમાં એક અઘોરી બાબાએ કહ્યું છે કે આ બધાં તીડ છેલ્લા, ત્રણ મહિનાથી કેન્સલ થયેલી ફ્લાઈટોનાં ભૂત છે !

***

- મન્નુ શેખચલ્લી

Comments