વેબસિરીઝોની ખતરનાક સાઈડ ઇફેક્ટો !


પંચાવન દિવસના લોકડાઉનમાં અમુક લોકોએ સતત વેબસિરિઝો જ જોયે રાખી છે. આ વેબસિરિઝોમાં શું હોય છે ? સેક્સ, ક્રાઇમ, ગાળો, હોરર, આડા સંબંધો, પોલિટીક્સ, અંડરવર્લ્ડ, હિંસા, સનકી કેરેક્ટરો, ભેદી પ્રેતાત્માઓ… આવું બધું !

એક તો આ વેબસિરિઝોની એવી જોરદાર પક્કડ હોય છે કે એક એપિસોડ પતે એટલે બીજો શરૂ કરવો જ પડે. આમાં ને આમાં એ તમારા દિમાગ ઉપર કબજો જમાવી દે છે.

અમારી પણ એવી જ હાલત છે. સતત વેબસિરિઝો જોયે રાખવાથી અમારા દિમાગમાં જાતજાતની સાઇડ-ઇફેક્ટો થવા માંડી છે ! જુઓ…

***

આજકાલ … હું અડધી રાતે જાગીને ફ્રીજનો દરવાજો ખોલું તો અંદરની પેલી એક ઝીણી લાઇટની જગ્યાએ મને કોઈની આંખ દેખાય છે !

***

બાથરૂમમાં ટપકતાં નળના અવાજથી ઊંઘ ઉડી જાય છે ! પછી પેશાબ લાગી હોય છતાં જવાની બીક લાગે છે !

***

બેબીની જુની ઘસાઈ ગયેલી ઢીંગલી, સાલી, ધોળે દહાડે પણ ખતરનાક લાગે છે !

***

સવારે દૂધવાળો બૂમ પાડે છે ત્યારે કોઈએ બિહારીમાં ગાળ દીધી હોય એવું સંભળાય છે !

***

ટીવીમાં કોઈ પોલિટીશીયન દેખાય તો એ હજી ગાળ કેમ નથી બોલતો એની નવાઈ લાગે છે !

***

અરે, ગઇકાલે જ એક પોલીસવાળા જોડે સળંગ સાત મિનિટ વાતો કરી ! બિચારો જે નમ્રતા અને સભ્યતાથી વાત કરતો હતો એ સાંભળીને આઘાત લાગી ગયો ! પોલીસવાળા ખરેખર આવા હોય ?

***

મને લાગે છે કે સમાજમાં જો કોઈ સંસ્કારી સાસુઓ અને ગુણવંતી વહુઓ હોય તો એ એકતા કપૂરની સિરિયલોમાં જ બચી હશે !

***

અને સંસ્કારી બેટીઓ ? એ તો સારું થયું કે મેં ‘હમ પાંચ’ સિરિયલના થોડા એપિસોડો જોયા !

***

લોકડાઉન ખુલી ગયું છે. હું ઓફિસે જઈ રહ્યો છું છતાં હવે મને લાગે છે કે રસ્તામાં પેલી જે ગલી પડે છે ને, ત્યાં જ એકાદ ‘રેડ-લાઇટ’ એરિયા છે !

***

બસ, થોડા જ દિવસની વાર છે… આપણા એજન્ટો જે અફઘાનિસ્તાન, સિરિયા અને તાઝિકિસ્તાનમાં જઈ પહોંચ્યા છે એ લોકો દસ ડઝન આતંકવાદીઓને પકડીને ઇન્ડિયા પાછા લાવતા જ હશે !

***

છતાં મને ડર છે કે આપણા પ્રાઇમ મિનિસ્ટરની હત્યા કરવાનાં મિનિમમ પાંચ નવાં કાવતરાં ઘડાઈ ચૂક્યાં છે !

***

અને હા, પેલો વિજય માલ્યા આટલા બધા રૂપિયાની ટોપી શી રીતે કરી ગયો, એ તો સમજાય છે... પણ યાર, આ રતન ટાટા આટલા સફળ ઉદ્યોગપતિ શી રીતે બની ગયા ?

- મને તો એમાં જ મોટું ‘સ્કેમ’ લાગે છે !

***

- મન્નુ શેખચલ્લી

e-mail : mannu41955@gmail.com

Comments