આ ચાર લોકડાઉનમાં આપણે ત્રણ પ્રકારના લોકો જોયા...
***
ત્રણ પ્રકારના ટીવી પ્રેક્ષકો જોયા...
એક વેબસિરિઝો જોનારા રંગીલા લોકો, બીજા રામાયણ – મહાભારત જોનારા સંસ્કારી લોકો અને ત્રીજા સતત ન્યુઝ ચેનલો જોનારા ટેન્શનિયા લોકો !
***
આપણે ત્રણ પ્રકારના ડોક્ટરો જોયા...
એક દવાખાનું બંધ રાખીને ઘરમાં બેસી રહેનારા ડોક્ટરો, બીજા, કોરોનાના જોખમની પરવા કર્યા વિના સતત હોસ્પિટલમાં સેવા આપનારા ડોક્ટરો અને ત્રીજા, સોશિયલ મિડિયામાં પોતાનું ‘જ્ઞાન’ વહેંચનારા ડોક્ટરો !
***
આપણે ત્રણ પ્રકારના મુસાફરો જોયા...
એક, પોતાના ફ્લેટમાં રોજ ટ્રેડ-મિલ ઉપર 7000 ડગલાં ચાલનારાં, બીજા, હાઈવે ઉપર રોજના 17 કિલોમીટર ચાલનારા અને ત્રીજા, માવાની તલાશમાં લટાર મારવા નીકળીને પોલીસના ડંડા ખાઈને દોડવા લાગેલા મુસાફરો !
***
આપણે ત્રણ પ્રકારના નેતા જોયા...
એક, કોરોનાનો ચેપ લાગે તેની પરવા કર્યા વિના સતત લોકોમાં રહેનારા નેતા, બીજા, વર્ક ફ્રોમ હોમનું બહાનું કાઢીને બંગલાની બહાર મોં પણ નહિ બતાડનાર નેતા, અને ત્રીજા, ફોટા પડાવવા માટે થઈને શ્રમિકો સુધી કારમાં પહોંચી જનારા નેતા !
***
અને, આપણે કોરોના દર્દીઓ પણ ત્રણ પ્રકારના જોયા...
એક, જે હોસ્પિટલમાંથી નીકળ્યા ત્યારે ‘પુષ્પવૃષ્ટિ’ થઈ, બીજા, જેને હોસ્પિટલમાંથી રજા અપાઈ ત્યારે ‘કોન્ટ્રોવર્સી’ થઈ અને ત્રીજા જે હોસ્પિટલમાં છૂટીને સીધા ‘ઉપર’ ગયા પરંતુ એમની લાશ ક્યાંક બીજેથી મળી !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment