અન્ય" હું પણ.." ઝુંબેશો !



રૂપાણી સાહેબે “હું પણ કોરોના ફાઇટર” એવી ઝુંબેશ ચાલુ કરી છે. ખૂબ જ સારી વાત છે. પરંતુ રૂપાણી સાહેબને કદાચ ખબર નહીં હોય કે અમુક લોકોએ ઓલરેડી આ ટાઇપની “હું પણ…” ઝુંબેશો ચલાવી ચૂક્યા છે ! જુઓ…

***

“હું પણ દોઢ-ડાહ્યો…”

લોકડાઉનના સન્નાટામાં લટાર મારવા નીકળ્યા પછી પોલીસ જોડે સંતાકુકડી, સાતતાળી અને છેવટે ‘ધમાલધોકો’ રમીને પોતાની પૂંઠ સુજાડી આવ્યા હોય એવા લોકો !

***

“હું પણ સુપર-સ્પ્રેડર…”

કોરોનાનો ચેપ નહીં, પરંતુ એનાથી યે ખતરનાક ગપ્પાં, અફવાઓ, ઝેરીલો પ્રચાર, બોગસ દાવા, સ્ટુપિડ ઉપચાર અને વાહિયાત દલીલોને મોબાઇલ વડે ચારેબાજુ સ્પ્રેડ કરનારાઓ !

***

“હું પણ પર્યાવરણ વાદી…”

હિમાલય દેખાતો થઈ ગયો… ડોલ્ફીનોનું સ્વાગત કરો…. કુદરતનું સન્માન કરો… આવા મેસેજો ફોરવર્ડ કર્યા પછી આજે માવો ખાઈને ગમે ત્યાં થૂંકનારાઓ !

***

“હું પણ વૈજ્ઞાનિક…”

કપૂરમાં કયું કેમિકલ હોય, લીંબુની છાલમાં કયો એસિડ હોય, શુક્ર મંગળ અને પૃથ્વીની વચ્ચે કેટલું અંતર હોય અને હાઇડ્રોકિસક્લોરોક્વીન બનાવવા માટે શું શું રો-મટિરીયલ જોઈએ તેની તમામ જાણકારી ધરાવનારા લોકો !

***

“હું પણ દારૂડિયો…”

જિંદગીમાં ચાર પેગ પણ ના પીધા હોય છતાં અઠંગ દારૂડીયાની માફક દારૂને લગતા તમામ મેસેજો ફોરવર્ડ કરનારા !

***

- મન્નુ શેખચલ્લી

Comments