લોચા નંબર બે: મ્યુઝિક કંપનીઓની દાદાગીરી


નવા ગાયનોમાં જે સાત લોચા છે એમાંનો પહેલો લોચો “ક્રેડિટની બાદબાકી” વિશે ગયા સોમવારે જે થોડી વાતો કરી તે આગળ ચલાવીએ.

અમે લખ્યું હતું કે એ જમાનામાં આનંદ બક્ષી અને હસરત જયપુરી જેવાં નામી ગીતકારોને પણ ‘ચાલુ-ટાઇપ ગાયનો લખવા માંડ્યા છે’ એવી બદનામી સહન કરવી પડી હતી. હસરત જયપુરીનું તો ‘હસરત ભેલપુરી’ એવું નામ પડી ગયું હતું !

શા માટે ? કારણ કે એમનાં દરેક ‘ચાલુ’ ગાયનો સાથે એમનાં ‘નામ’ લેવાતાં હતાં ! આજે કોઈપણ ગીતકાર કંઈ પણ વાહિયાત શબ્દો લખી નાંખે તો એને શોધીને આપણે ગાળ પણ નથી દઈ શકતા !

થર્ડ-ક્લાસ ગાયકો – ગીતકારો અને સંગીતકારો માટે આ ‘આશીર્વાદ’ છે અને ખરેખર ગુણી હોય તેવી પ્રતિભા માટે આ ‘શ્રાપ’ છે. દુર્દશા હવે ત્યાં લગી પહોંચી ગઈ છે કે ફિલ્મના પ્રોમામાં, પોસ્ટરોમાં, ઇવન ફિલ્મોમાં દરેક કલાકારની ક્રેડિટ રીતસર, શબ્દશઃ હાંશિયામાં ધકેલી દેવામાં આવે છે.

હોલીવૂડની આ ભૂંડી, અકક્લ વિનાની નકલ હવે ગુજરાતી ફિલ્મોમાં પણ થવા માંડી છે ! તમે કોઈ ગુજરાતી નાટકની નાની અમથી જાહેરખબર જોશો તો એમાં ચાર કલાકારો, બે પ્રોડ્યુસરો, બે લેખકો અને એક દિગ્દર્શક એમ કમ સે કમ 8-10 નામો સ્પષ્ટ રીતે વાંચવા મળશે. (કલાકારોના ફોટા તો ખરા જ) પરંતુ ગુજરાતી ફિલ્મોની જાહેરખબર એનાથી ડબલ સાઇઝની હોય તો પણ એમાં પેલી વકીલોની નોટિસમાં જેમ લખે છેને, ‘સહી અવાચ્ય’ એમ તમામ કસબીઓનાં નામો બિલોરી કાચ લઈને બેસો તો પણ ‘અવાચ્ય’ હોય છે !

શા માટે ભઇ ? હજી તો નવી ગુજરાતી ફિલ્મો પા-પા પગલી ભરતી નથી થઈ ત્યાં તો શું બધા ‘સ્ટાર’ થઈ ગયા ? નામની જરૂર જ નથી ? બસ, આ જ નકલનું મોડલ મ્યુઝિક ઇન્ડસ્ટ્રીએ પણ અપનાવ્યું છે. જે આપણો બીજો લોચો છે.

(૨) મ્યુઝિક કંપનીઓની દાદાગિરી

નેહા કક્કડ નામની જે ઓર્ડિનરી ગાયિકાનો ગયા લેખમાં ઉલ્લેખ કર્યો હતો તે કહે છે કે “મ્યુઝિક કંપનીઓ અમને ગીત ગાવાના પૈસા આપતી જ નથી, કહે છે કે અમે તમને ફેમસ બનવાની તક આપીએ છીએ, હવે તમે જાહેર શો કરીને પૈસા કમાઈ લો !”

મુહમ્મ્દ રફી અને મન્ના ડે  જેવા મંજાયેલા અવાજ પછી ખરેખર સુરીલા કહી શકાય એવા અવાજોમાં સોનુ નિગમનું નામ લેવું જ પડે. છતાં મ્યુઝિક કંપનીઓ પાસેથી એણે વધારે રોયલ્ટી માગી તો એને ટોટલી સાઇડલાઇન કરી દેવામાં આવ્યો.

એ જ સોનુ નિગમને યુ-ટ્યૂબના એક રિસન્ટ વિડીયોમાં વિવેક અગ્નિહોત્રી સવાલ પૂછે છે કે, ભઇ, આ લોકડાઉન પછી  FM રેડિયો ઉપરથી નવાં ગાયનો કેમ ગાયબ છે ? શા માટે રફી, મુકેશ અને લતા-આશાજીનાં ગીતો વાગી રહ્યાં છે ? જવાબમાં સોનુ નિગમ હસતાં  હસતાં કટાક્ષમાં કહે છે “એ રેડિયોવાળાને મ્યુઝિક કંપનીઓએ રૂપિયા નહીં પહોંચાડ્યા હોય !”

આ મજાક નથી, બલ્કે હકીકત છે ! આજે તમામ FM રેડિયો સ્ટેશનો ઉપર જે ગાયનો વાગે છે તે કોઈને કોઈ મ્યુઝિક કંપની (લેબલ) સાથેની રૂપિયાની ગોઠવણીથી વાગે છે ! 

FM રેડિયોના RJ પાસે દર મહિને રીતસરનું 60-70 ગીતોનું ‘પ્લે-લિસ્ટ’ આવે છે એ સિવાયનું એક પણ ગાયન રેડિયોમાં વાણી  શકે નહિ ! વળી, એ 60-70 ગીતોમાંથી બપોરે તથા રાત્રે નવ પછી વગાડવાના 20-25 જુનાં (સસ્તામાં ખરીદેલાં) ગાયનો હોય છે. બાકી બચેલાં 50-55 ગાયનો જ ‘રિસન્ટ’ હોય છે. એમાંય, અમુક ‘લેબલ’ (કંપની) સાથે FM રેડિયોને ‘ટાઈ-અપ’ હોય એટલે એમાંનાં 30 જેટલાં ગાયનો તો લગભગ આખું વરસ વગાડવાનાં હોય છે ! (ટોપ-ટેનમાં લાવવા માટે)

બીજી બાજુ, ખુદ મ્યુઝિક કંપનીઓના એક્ઝિક્યુટિવો ફિલ્મના નિર્માતાઓ ઉપર દબાણ કરે છે કે તમારાં નવાં ગાયનો ‘હિટ’  નથી થતાં એટલે દરેક ફિલ્મમાં મિનિમમ બે ગાયનો ‘રિ-મિક્સ’ જોઇશે !

ટુંકમાં. મ્યુઝિક કંપનીઓએ ગાયનોની એસેમ્બલી લાઇન ફેક્ટરીઓ બનાવી રાખી છે. જેમાં બેસ્ટ ટેલેન્ટ અને સૌથી કચરા જેવી ટેલેન્ટ એક જ લાઇનમાં ઊભાં ઊભાં મ્યુઝિકના ટુકડા જોડે છે !

***

- મન્નુ શેખચલ્લી

Comments