વોટ્સએપની એક જોકમાં એક ભાઈ પોતાના વાહન ઉપર ‘ભૂતપૂર્વ કોરોના પેશન્ટ’ એવું સ્ટિકર લગાડીને ફરે છે !
આ હિસાબે જે વ્યક્તિ કોરોનાથી મુક્ત થઈ ગયા છે એમણે ‘કોરોનામુક્ત પેશન્ટ’ એવું સ્ટિકર મારવું જોઈએ...
એ તો ઠીક, પણ જેમને હોસ્પિટલમાંથી રજા આપતી વખતે પૂષ્પવૃષ્ટિ કરવામાં આવી હતી એમણે તો ‘પૂષ્પવર્ષિત કોરોના-મુક્ત’ એવું સ્ટિકર લગાડવા જેવું છે !
આ સિવાય પણ થોડાં અદ્રશ્ય સ્ટિકર જરૂરી છે...
***
ફેક-ન્યુઝ સંક્રમિત દરદી
જેને સાચા કરતાં ખોટાનો વધારે અને સાદા કરતાં ચટપટા ન્યુઝનો ચેપ તરત લાગી જાય છે...
***
દયા – કરૂણા સંક્રમિત દરદી
એર-કંડીશન્ડ ઘરોમાં બેઠાં બેઠાં સરસ મઝાનો બ્રેક-ફાસ્ટ લેતાં લેતાં શ્રમિકોના દયામણા ફોટા જોઈને જેનાં હૃદયો માત્ર બે મિનિટ માટે દ્રવિત થઈ જાય છે...
***
સુવિચાર સંક્રમિત દરદી
કુદરતે આ મોકો આપ્યો છે... માનવજાતે હવે સુધરી જવું પડશે... આવો, નવા યુગની શરૂઆત કરીએ... આવા બધા સુવિચારો કરી લીધા પછી છેલ્લે જેને એક જ સુવિચાર આવતો હોય :
“કંટાળ્યા ભૈશાબ, હવે આ બધું ક્યારે પતશે ?” એવા લોકો...
***
સલાહ સંક્રમિત દરદી
સોશિયલ મિડીયામાં રોજની 150 સલાહોનો જેની ઉપર મારો થાય છે એવા નહિ...
પરંતુ એવી સલાહો રોજ બીજાને ફોરવર્ડ કરતા રહે છે તેવા લોકો...
***
‘ચાલ’ સંક્રમિત દરદી
‘ટ્રમ્પ જ આવીને કોરોના ફેલાવી ગયો...’ ‘મોદીજીની આમાં કોઈ ચાલ લાગે છે...’ ‘મોદી વિરોધીઓ હવે નવી ચાલ ચાલશે...’ આવી થિયરીઓના ચેપ ફેલાવનારા દરદીઓ...
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment