ન્યુયોર્ક ટાઇમ્સનો અહેવાલ કહે છે કે દુનિયાભરમાં લોકોને જ્યોતિષીઓ માટે રોષ છે કેમ કે કોઈએ કોરોના વાયરસની આગાહી કરી નહોતી...
આજે દેશમાં પણ એવી હાલત છે કે ખુદ જ્યોતિષીઓએ પોતાનું રાશિ ભવિષ્ય જોવું પડે...
(નોંધ : પોતપોતાની સગવડ મુજબ રાશિઓ ગોઠવી લેવી.)
***
કામ ધંધામાં પ્રગતિ, આર્થિક વ્યવહારમાં સંભાળવું, ઓનલાઇન કુંડળી કઢાવનાર ગ્રાહકનું ઓનલાઇન પેમેન્ટ ના આવે...
***
કામ ધંધામાં તકલીફ રહે. અજાણી વ્યક્તિથી સાવધ રહેવું. પોતાની હસ્તરેખા બતાડનાર વ્યક્તિનો હાથ એક મીટર દૂરથી જોવો પડે.
***
વિદેશથી સારા સમાચાર મળે. ન્યુયોર્કમાં ફસાયેલા યુવક માટે મુંબઈના હોટ-સ્પોટમાં રહેતી કન્યાની કુંડળી મેચ કરવાનું કામ મળે.
***
મિલન મુલાકાતના ઉત્તમ સંજોગો. છતાં ઉત્તેજનામાં તબિયત સંભાળવી. શાક લેવા જતાં જુની પ્રેમિકા મળી જાય. માસ્ક ઉતારીને સ્માઈલ આપવા જતાં બન્નેને છીંક-ઉધરસ આવી જાય.
***
ટુંકી મુસાફરીનો યોગ છે. નવા સંપર્કો બને. કરફ્યુ ભંગ બદલ પોલીસ સ્ટેશને જવું પડે. ત્યાંના સાહેબનો હાથ મફતમાં જોવાનો થાય.
***
લાંબી યાત્રાના સંયોગ છે. તમારા ખાસ પાડોશીનો રિપોર્ટ પોઝિટીવ આવતાં તમને પણ સાત દિવસ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવે.
***
છૂટક તથા જથ્થાબંધ કામ મળવાના સંજોગો છે. હોસ્પિટલના બીજા દર્દીઓ પોતપોતાનું ભવિષ્ય જાણવા માટે પડાપડી કરે.
***
વિદેશથી શુભ સમાચારો મળે. તમારો કોરોના રિપોર્ટ નેગેટિવ આવે. વિદેશથી ઓનલાઈન લગ્ન માટે ગોર મહારાજ બનવાની ઓફર આવે.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment