સ્પેશિયલ ટ્રેનોના નિયમો !


આજથી અમુક ટ્રેનો ચાલુ થઈ ગઈ. આમાં પેસેન્જરો માટે અમુક નિયમો જરૂરી છે...

***

પાણીની બોતલ, ચા-કૉફીનું થર્મોસ તથા રસ્તે ખાવાના નાસ્તા ઘરેથી લાવવાના રહેશે. પ્લેટફોર્મ પર હવા સિવાય કશું ખાવાનું મળશે નહીં.

***

પ્લેટફોર્મના વાતાવરણમાં સન્નાટો લાગે તો “ચાય ગરમ... ભજિયાંવાલે...” એવી બૂમો જાતે પાડી લેવાની રહેશે.

***

પ્લેટફોર્મ ઉપર ટ્રેનની રાહ જોઈને બેસી રહેલા શ્રમિકોને ભૂલથી યે પૂછવું નહિ કે “કેટલો ટાઈમ થયો ?”

આમાં ક્યાંકનો ગુસ્સો ક્યાંક નીકળવાથી શારીરિક જોખમ થઈ શકે છે.

***

નાસ્તો કરી લીધા પછી થાળી-વાટકા વગાડવાના નથી.

***

ટ્રેન ઊભી હોય ત્યારે ટોઈલેટનો ઉપયોગ પાન કે પાન-મસાલાની પિચકારી મારવા માટે કરવો નહિ.

***

ટોઈલેટમાંથી બહાર આવ્યા બાદ બે વાર હાથ ધોવા. માવાની આદત હોય તો મોં પણ ધોવું પડશે.

સાબુ અને સેનેટાઇઝર ઘરેથી લાવવાના રહેશે. આ ટ્રેન છે, વિમાન નથી.

***

ટીસીને બતાડવા માટે આઈ-કાર્ડ સાથે જ રાખવું. ટીસી જોવા માગે ત્યારે માત્ર એક મિનિટ માટે મોં ઉપરથી માસ્ક હટાવી શકાશે.

- માસ્ક હટાવ્યા પછી છીંક ખાવાની મનાઈ છે.

***

“ટ્રેનમાં બે કોરોના પોઝિટીવ પેસેન્જરો ઘૂસી ગયા છે...” એવી અફવા ફેલાવનારની ધરપકડ કરીને તેને સરકારી હોસ્પિટલમાં ભરતી કરી દેવામાં આવશે.

શુભયાત્રા. (શરતો લાગુ)

***

- મન્નુ શેખચલ્લી

Comments