નવાં ગાયનોના સાત લોચા


પહેલો સવાલ એ થાય કે ભઇ, મૂકોને લપ ? નવાં ગીતોમાં દમ નથી, તો નથી ! એમાં શું ખાટુંમોળું થઈ જવાનું છે ?

તો જવાબ એ છે કે દરેક પેઢીને પોતાનાં ગીતો હોવાં જ જોઈએ. પોતાની લાગણીઓ, ગુસ્સાઓ અને ગાંડપણ (મેડનેસ કહો કે દિવાનાપન) વગેરેને જ્યારે સરખી અભિવ્યક્તિ નથી મળતી ત્યારે એક જાતની ગૂંગળામણ શરૂ થઈ જાય છે. છેવટે તેનો છેડો આખી પેઢીના એક પ્રકારના કન્ફ્યુઝનમાં નીકળે છે.

આજકાલ કવિતાના નામે ફેસબુક તથા બીજાં સોશિયલ મિડિયામાં જે કચરો ઠલવાઈ રહ્યો છે તે આ જ કન્ફ્યુઝનનું પરિણામ છે. ગીત, ગઝલ, કવિતાનાં કોઈ ધોરણ જ ના રહ્યાં એટલે બધાને લાગે છે કે અમે કવિ બની ગયાં !

આજે ફિલ્મસંગીતના સર્જકોને 15, 20, 25 વરસ જુનાં ગાયનોનાં રિ-મિક્સ શા માટે કરવાં પડે છે ? કારણ કે નવા ગીતોમાં ક્યાંક કંઇક બહુ મોટા ‘લોચા’ છે ! આ લોચા ક્યાં છે ? જાણવાની કોશિશ કરીએ...

***

લોચા નંબર (1) ક્રેડિટનો અભાવ

જુના સંગીતના રસિયાઓ કાન પકડીને એ વાત કબૂલ કરશે કે જો રેડિયો ઉપર ગીતકાર, સંગીતકાર, ગાયક અને ફિલ્મનાં નામોની ક્રેડિટ ના અપાતી હોત તો ભલભલી ટેલેન્ટો આવતાંની સાથે ગુમાનામીની ગર્તામાં ગાયબ થઈ ગઈ હોત.

જયદેવજી, જી એસ કોહલી, દાનસિંહ, સલીલ ચૌધરી, સુમન કલ્યાણપુર, શારદા, ગુલશન બાવરા, એસ એચ બિહારી, નક્શ લયાલપુરી... આવા કંઇક ડઝનબંધ નામો આજે પણ સંગીત રસિકોને યાદ છે કેમ કે દરેકના ગીતના પ્રસારણ સાથે તેમનાં નામો લેવાતાં હતાં.

એ જ કારણસર દરેક ગાયક, ગીતકાર, સંગીતકારની આગવી ઓળખ ઊભી થઈ. ગીત સાંભળતાંની સાથે ખબર પડી જાય કે ‘આ તો ઓ. પી. નૈયર..' 'આ ખૈયામ જ હોય...' 'ઓહો ? આ જયદેવ હતા ? કહેવું પડે !’

આજે કમનસીબે પ્રીતમ, વિશાલ-શેખર કે શંકર-અહેસાન-લોય આ ત્રણે ટોપ સંગીતકારોની ધૂનો, કંપોઝિશનો અને સ્ટાઈલો સરખી જ છે ! આવામાં બીજા સત્તાવન ‘કોપી-કેટ’ સંગીતકારો ઘૂસી જાય છે, જેમની પાસે હકીકતમાં કોઈ ઓરિજીનલ પ્રતિભા જ નથી !

બીજું, નામોની ક્રેડિટ મળવાને કારણે એક ચોક્કસ પ્રકારનું ફેન-ફોલોઇંગ ઊભું થાય છે. આજે કેકે, શાન, વિશાલ દદલાની કે તોષી,... બધાના અવાજો સરખા લાગે છે. ચાલો, ફરક પણ હશે પરંતુ જે ‘ચાહકો’ બને છે તે એમના ‘અવાજ’ને લીધે નહિ પરંતુ એમની સોશિયલ તથા ટીવી મિડીયાની પહોંચ વડે બને છે.

દાખલા તરીકે, એક મ્યુઝિક શૉમાં આવતી નેહા કક્કડ નામની સાવ ઓર્ડિનરી ગાયિકા આવા સમયમાં સુનિધિ ચૌહાણ કે શ્રેયા ઘોષાલ કરતાં વધારે ‘મોટી’ ગાયિકા ગણાઈ શકે છે ! અરિજીત સિંહ બેશક ખુબ જ સરસ અવાજ ધરાવે છે. આજકાલ એ સોશિઅલ મિડિયામાં છવાયેલો છે. પરંતુ કેકે અને શાન આજના યુવાનો માટે 'ખોવાઈ ગયેલા' ગણાય છે ! શા માટે? કારણ કે એ લોકો 'દેખાતા' નથી !

આજે ખૈયામ સાહેબના નિધન પછી લોકો ચૂંટી ચૂંટીને એમના એક એક ગીતને યાદ કરી શકે છે. આવું અમિત ત્રિવેદી નામના સંગીતકાર સાથે થઈ શકે ખરું ? આજના સંગીતકારોની ભીડમાં અમિત ત્રિવેદી જરા અલગ છે. પરંતુ એની પોતાની ‘પહેચાન’ બનાવવા માટે એણે પણ રંગબિરંગી કપડાં પહેરીને જાતભાતના ટીવી-શોમાં પહોંચી જવું પડે છે.

સરવાળે, મતલબ એ થયો કે જો ‘દિખતા’ હૈ વો બિક્તા હૈ... જો ‘સુના જાતા’ હૈ વો નહીં ! જરા કલ્પના કરો, આજના જમાનામાં જો સંગીતકાર સ્વ. રવિન્દ્ર જૈનને એમની લોકપ્રિયતા ટકાવવી હોય તો પોતે અંધ હોવા છતાં ટીવીમાં દેખાતાં રહેવું પડતું હોત !

આ જ સ્થિતિ ગીતકારોમાં છે. બે ઘરડા ગીતકારો, ગુલઝાર અને જાવેદ અખ્તર કંઈક લખે કે તરત ધ્યાન પડે છે. (સાંભળવાથી પડે છે, જોવાથી નહિ) પરંતુ આજે નવા ગીતકારોમાંથી જો પાંચ નામ લેવાં હોય તો ? અહીં સ્થિતિ ઉલ્ટી છે. તમે સાવ વેઠ ઉતારો તો ય લોકો તમને ગાળો નથી દઈ શકતા ! જેના કારણે ક્વોલિટી જાળવવાનું તો કોઈ પ્રેશર જ નથી. (જે આનંદ બક્ષી તથા હસરત જયપુરીને પણ સહન કરવું પડ્યું હતું ! રાઇટ ?)

- હજી બીજા છ લોચા બાકી છે....

***

-મન્નુ શેખચલ્લી

Comments