... એવું થયું હશે


(ઔરંગાબાદ રેલ દુર્ઘટના વિશે)


જ્યારે આપણો બેડરૂમ

વધારે પડતો

ઠંડો થઈ ગયો, અને

આપણે જાગી ગયા...

એ જ વખતે

એ લોકો થાકીને

પાટા ઉપર

સૂઈ ગયા હશે.

***

જ્યારે આપણે

ઠંડી ચાદર

જરા ઉપર ખેંચી હશે..

એ જ વખતે

પેલાં લોખંડી પૈંડાં

ફરી વળ્યાં હશે.

***

જ્યારે આપણે બ્રેકફાસ્ટમાં

બ્રેડ ઉપર બટર

લગાવ્યું હશે...

એ જ વખતે

પેલી સૂકી રોટલીઓના

ફોટા પડ્યા હશે.

***

જ્યારે આપણને ઘરમાં

બ્રેકિંગ ન્યુઝ મળ્યા...

એ જ વખતે

એમની લાશો

શબઘરમાં ગઈ હશે.

***

અને, કોણ જવાબદાર ?

એવી ચર્ચા શરૂ થઈ

એ જ વખતે...

એમને ફોનમાં

‘નો રિપ્લાય’ મળ્યા હશે.

***

કાલે, આપણે આ

કવિતા ભૂલી જશું

એ જ વખતે...

ન્યુઝને નવી

ઘટના મળી જશે

અને હા,

કોઈ નેતાની 

‘એમને’ પણ

‘સાંત્વના’ મળી જશે !

***

ફરી જુની કવિતાઓને

નવી દાદ મળી જશે,

ફેસબુકમાં કવિઓને

વાહ વાહ મળી હશે

એ જ વખતે...

પેલા,

લોખંડી પૈંડાના ડાઘા

સાફ થઇ ગયા હશે.

***

- મન્નુ શેખચલ્લી

Comments

  1. સાચું કહ્યું. સજ્જન અને સુસંસ્કૃત લોકો માં થી અડધાએ તો કદાચ સવારે મોં મચકોડ્યા હશે : "શું આ છાપા ને ટી વી વાળાઓ સવાર સવાર માં આવા ગંદા ફોટા દેખાડે છે. સાલી ચાની મઝા બગાડી ગઈ. "
    लहू-लुहान नज़ारों का ज़िक्र आया तो
    शरीफ़ लोग उठे दूर जा के बैठ गए

    ReplyDelete
    Replies
    1. આપના અભિપ્રાય બદલ ખુબ આભાર ! મારી ટેકનિકલ અણ આવડતને કારણે કોમેન્ટ પબ્લિશ પણ નહોતી થતી અને મને પણ દેખાતી નહોતી. તકલીફ બદલ ક્ષમા ચાહું છું.

      Delete

Post a Comment