લોકડાઉનની શરૂઆતમાં તો સૌ ભારે ઉત્સાહમાં હતા ! પણ હવે ધીમે ધીમે ફૂગ્ગાની હવા નીકળતી જાય તેમ ઉત્સાહમાં પણ ફેર પડી ગયો છે. જુઓ...
***
શરૂઆતમાં...
થાળી, તાળી, દિવડા, ટોર્ચ, ડીજે, ઢોલ બધું વગાડી લીધું...
હવે...
નવરા બેઠાં મંજીરા વગાડવાનું યે મન થતું નથી !
***
શરૂઆતમાં...
વાયરસથી વિનાશનાં ઇંગ્લીશ પિક્ચરો, ખૂનામરકી અને ગાળાગાળીથી ભરપૂર વેબસિરિઝો અને ધમાચકડીવાળી હિન્દી ફિલ્મો જોયે રાખી...
હવે....
રામાયણ, મહાભારત જોઈને મન શાંત કરવાની કોશિશ ચાલે છે...
***
શરૂઆતમાં...
ચાણક્ય શું કહી ગયા, નોસ્ત્રદામસની શું આગાહી છે, એક્સપર્ટ ડોક્ટરો શું કહે છે, એવું બધું ધ્યાનથી જોતા હતા...
હવે...
માત્ર મોદીજી શું કહેશે એની રાહ જોવાઈ રહી છે !
***
શરૂઆતમાં...
મારા તમારા જેવા મામુલી લોકો ઓનલાઈન ભેગા થઈને અંતાક્ષરી રમતા હતા.... ત્યારે ‘જ્ઞાની’ લોકો ચૂપચાપ ગંભીર થઈને બેસી રહેતા હતા...
હવે...
મામુલી લોકો અંતાક્ષરીથી કંટાળ્યા છે ત્યારે પેલા ‘જ્ઞાની’ લોકો ઓનલાઈન ‘વેબિનારો’ કરવા મંડ્યા છે !
***
શરૂઆતમાં...
NRIની સલાહો બહુ ધ્યાનથી સાંભળતા હતા...
હવે...
સિવિલમાંથી છૂટીને આવેલાની સલાહ પણ કોઈને સાંભળવી નથી !
***
શરૂઆતમાં...
કયા દેશમાં કેટલા મર્યા તેનો ‘સ્કોર’ ગણ્યા કરતા હતા...
હવે...
ઈરફાન અને રિશીકપૂર મરી ગયા ત્યારે યાદ આવ્યું કે ભઈ, કોઈનું મૃત્યુ થાય ત્યારે ‘RIP’ લખવાનું હોય !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment