અભિષેક બચ્ચનનું લોક-ડાઉન કાઉન્સેલિંગ !


આ લોકડાઉનના સમયમાં તમામ ફિલ્મવાળા ઘેર બેઠા છે. બધા કંટાળી ગયા છે. પરંતુ ઘરે બેસવાનો જેની પાસે સૌથી વધારે અનુભવ છે એવા અભિષેક બચ્ચને હવે બીજા ફિલ્મવાળાઓ માટે ‘ઓનલાઈન કાઉન્સેલિંગ’ શરૂ કર્યું છે.

આ ન્યુઝ મળતાંની સાથે જ રણવીરસિંહે વિડીયો કોલ લગાડીને ‘હાય !’ કર્યું.

અભિષેકે એને જોતાંની સાથે પૂછ્યું “અલ્યા, આ શું પહેર્યું છે ?”

રણવીર : “ફ્રોક છે, કેમ ?”

અભિષેક : “કેમ, ઘરમાં વોશિંગ મશીન બગડી ગયું છે ? દિપીકાનું ફ્રોક શા માટે પહેર્યું છે ?”

રણવીર : “ના ના, મારું જ છે ! મેં ઓનલાઈન ઓર્ડર કરીને મંગાવ્યું છે ! મસ્ત છે ને ?”

અભિષેક : “મને તારું ફ્રોક બતાડવા માટે ફોન કરેલો ?”

રણવીર : “અરે ના યાર, મને તારી એડવાઈઝ જોઈએ છે. યાર, તું આખો દિવસ ઘરમાં ટાઈમપાસ શી રીતે કરે છે ?”

અભિષેક : “સિમ્પલ છે. હું ઐશ્વર્યાને આખો દિવસ માય ડાર્લિંગ, મિસ વર્લ્ડ, કહીને એનાં વખાણ કર્યા કરું છું.”

રણવીર : “અલ્યા, એ પરણી ગઈ, મમ્મી બની ગઈ, છતાં હજી તું એને ‘મિસ’ કહે છે?”

અભિષેક : “હા, એના લીધે એ ‘થ્રો-બેક’ મોમેન્ટમાં રહે છે. પોતાની ઉંમર ભૂલી જાય છે અને મારી સાથે કચકચ નથી કરતી. ખાસ કરીને ત્યારે, જ્યારે હું મારી દિકરીનાં કપડાં ગડી કરતો હોઉં, એની સ્કુલનું હોમવર્ક પતાવી આપતો હોઉં કે એને મેગી બનાવી આપતો હોઉં...”

રણવીર : “ગુડ ટાઈમપાસ યાર ! પણ મારે તો બેબી જ નથી.”

અભિષેક : “તો પેદા કરી લે ને. હમણાં ટાઈમ જ ટાઈમ છે તારી પાસે...”

એવામાં અચાનક આલિયા ભટ્ટે કોલ કરીને અભિષેકને જનરલ નોલેજનો સવાલ પૂછ્યો. “હાય અભિષેક ! યાર, આ લોક-ડાઉન ખતમ થશે પછી શું ?”

“પછી લોક-અપ ચાલુ થશે. યુ સી ? અપ... ડાઉન... અપ... ડાઉન...”

 “સમજી ગઈ.” આલિયા ભટ્ટે બીજો જનરલ નોલેજનો સવાલ કર્યો. “યાર, અભિષેક, આ કોવિદ-19 શું છે ?”

 “એ ચાઈનાથી આવેલો એક ખતરનાક વાયરસ છે. આખી દુનિયામાં ફેલાયો છે.”

 “ઓએમજી ! યુ મિન, મારા મોબાઈલમાં પણ આવશે ? મેં તો ક્વીક-હીલ પ્રોટેક્શન નંખાવેલું છે ! તો પણ ?”

 “ના ના, આલિયા, એ તો માત્ર હ્યુમન ટચથી ફેલાય છે.”

 “ઓ... એમ... જી !! મતલબ કે મારે આ ટચ-સ્ક્રીન વાળા ફોનને ટચ ના કરવું જોઈએ? હ્યુમન ટચ એવોઈડ કરવા માટે તું કયો રોબોટ યુઝ કરે છે ? મને સલાહ આપ ને...”

 “એક મિનિટ...” એમ કહીને અભિષેક જતો રહે છે. ખાસ્સી પંદર મિનિટ પછી પાછો આવે છે ત્યારે વિડીયો કોલની લાઈન લાગી ગઈ છે. બધા પૂછે છે :

 “ક્યાં જતો રહ્યો હતો ?”

 “એ તો ડેડીના રૂમમાં બે સ્પોટ-લાઈટો હલી ગઈ હતી અને કેમેરો પણ જરા સરખો ગોઠવવાનો હતો.”

 “હેં ? તારા બાપા વર્ક-ફ્રોમ-હોમ કરે છે ? ઘરમાં શૂટિંગ ચાલે છે ?”

 “ના ના, પણ ડેડીને એવો ફોબિયા ઘૂસી ગયો છે કે જો તે 21 દિવસ સુધી કેમેરાને ફેસ નહિં કરે તો પોતે બિમાર પડી જશે.”

અભિષેક પાછો કાઉન્સેલિંગ કરવા બેસે છે તેને મહેશ ભટ્ટ, અનુરાગ કશ્યપ અને જાવેદ અખ્તર પૂછે છે : “યાર, અમે લોકો વર્ક ફ્રોમ હોમ શી રીતે કરી શકીએ ?”

અભિષેક કહે છે “પાણીમાંથી પોરા કાઢતાં આવડે છે ? તો એ કરો, નહિતર બેઠા બેઠા સરકારની ટીકા કર્યા કરો ને ?”

***

- મન્નુ શેખચલ્લી

Comments