કવિની 'કોરોના' કવિતા !


બિચારા કવિઓ ઘણા કષ્ટમાં છે ! પથ્થરથી લઈને પતંગિયાની પાંખ સુધીની કલ્પના કરી શકનારા કવિઓ આ કોરોનાની નજરકેદમાં બંધ  થઈ ગયા છે !

અમારા ‘કવિ કષ્ટમ્’નું પણ એવું જ છે ! એમણે કરેલી કવિતામાં ગુજરાતના તમામ કવિઓની વ્યથા છે...

***

પત્નીની કેદમાંથી

છૂટી શક્યા નથી

બારણાં ખુલ્લાં, છતાં

નીકળી શક્યા નથી.

***

કવિનું કષ્ટ સ્વયં કવિ

કહી શક્યા નથી

કોરોના કેરો કરફયુ

સહી શક્યા નથી.

***

થાળી પીટી લીધી

દિવડા ગણીને નવ

કવિ બાધા-આખડીથી

બચી શક્યા નથી.

***

અન્યાય છે જગતમાં

મદિરાને નામે સાકી

કેરળમાં રેલં-છેલ

અહીં, સુંઘી શક્યા નથી !

***

માગે જ્યાં 'એકસો-પાંત્રીસ'

(એટલે માવો)

માગે જ્યાં 'એકસો-પાંત્રીસ'

મળી 'એકસો ચુંમાળીસ'

‘સોળ’ કેવા સિતમના ?

ગણી શક્યા નથી.

***

ઘરનાં ખૂણા ગણે છે

બારીની ધૂળ વીણે છે

ઝલક પાડોશણની યે

પામી શક્યા નથી.

***

ના તાવ પ્રેરણાનો

ન શબ્દોની સૂકી ખાંસી

એબ્સર્ડીટીનાં માસ્ક

ખોલી શક્યાં નથી.

***

બાંધીને મોઢે ગળણું

સમયને ગાળવામાં

ઠંડી પડેલી ‘ચા’ પણ

ગાળી શક્યા નથી.

***

ફેસબુકમાં લાઈવ થઈને

વિડીયોમાં જઈ જઈને

પહોંચ્યા કવિ વિદેશે

લઈ લીધી કૈંક દાદ...

પણ ઘરમાં શ્રીમતીની

મેળવી શક્યા નથી !

***

- મન્નુ શેખચલ્લી

Comments