મહાભારત-કાળનાં સંબોધનો !


મહાભારત સિરિયલમાં કોઈ એક પાત્ર માટે કંઈ કેટલા સંબોધનો વપરાતાં હતાં ? જેમ કે –

“હે વીરપુત્ર, હે પૃથ્વીનરેશ, હે સેનાનાયક, હે જનગણ વિધાયક, હે બાહુબલિ....” વગેરે વગેરે.

એ જ રીતે આજે ડોક્ટરો, નર્સો, પોલીસો વગેરે માટે કેવાં સંબોધનો હોવા જોઈએ ?

***

ડૉક્ટર માટે

“હે ચિકિત્સાશાસ્ત્ર સ્નાતક !
હે રોગ વિનાશક !
હે હૃદયસ્પંદમાપકધારી (સ્ટેથોસ્કોપવાળા), 
હે રક્તચાપાંકયંત્રધારી (બ્લડપ્રેશર માપનારા), 
હે ઔષધજ્ઞાની !
હે સુધ્ધોધન અંતઃ પ્રક્ષેપણ યંત્રધારી (ઇન્જેક્શનવાળા), 
હે સંક્રમણ વિનાશી !
હે પીડાનિવારણકારી ! 
હે શરીર શસ્ત્રક્રિયા નિષ્ણાત (સર્જરીવાળા), 
હે મિતભાષી, મહાજ્ઞાની ! 
સમાજોપકારક, સ્વાસ્થ્ય સંરક્ષક… 
હે કોરોના સંકટ-વિમોચક...
હે કોરોના કાલસ્ય દેવતા!
વિજયી ભવ !
હે સહસ્ત્ર પિડીતોધ્ધારક (હજાર દર્દીઓને સાજા કરનાર), 
હે કોરોના સંહારક !
આયુષ્યમાન ભવ !”

***

નર્સ માટે

“હે વિનમ્ર પરિચારિકા ! 
હે શીતલમુખી ! 
હે શાતાધારિણી ! 
હે સુશ્રુષા દેવી !
હે મહાધેર્યધારિણી !
હે ઔષધ ઉપચારિણી ! 
હે અંતઃપ્રક્ષેપણ દાત્રી (ઇન્જેક્શન આપનારી), 
હે શર્કરાપ્રવાહી કુપ્પીદાત્રી (ગ્લુકોઝનો બાટલો ચડાવનારી), 
હે તાપમાન માપિકા (તાવ માપનારી), 
હે રક્તચાપન માપિકા (બીપી માપનારી), 
હે શ્વેતવસ્ત્રધારિણી !
હે શ્વેત મુકુટ ધારિણી !
હે સુંદર સ્મિત ધારિણી ! 
હે માતૃમમતા દાયિની !
હે સર્વધૈર્ય દાયિની ! 
હે સર્વઆશા દાયિની !
વિજ્યી ભવ !
કોરોના સંહારિણી ભવ !
પુનઃજીવન દાયિની ભવ !”

***

પોલીસ માટે

“હે ખાખીવસ્ત્રધારી !
હે કષ્ટદંડધારી !
હે શિસ્તપાલક !
હે નિયમનાયક !
હે સમાજ સૈનિક ! 
હે દિનરાત્રિ પ્રહરી !
હે અપરાધ વિનાશક ! 
હે અપરાધી પ્રતાડક !
હે સંચારબંધી પાલક !
હે પ્રજાદંડક, પ્રજાનિયામક, 
પ્રજારક્ષક એવમ્ પ્રજાપ્રતિપાલક...
વિજયી ભવ !
કોરોનાદંડક ભવ !
કોરોનાવિધ્વંસક ભવ !”

***

- મન્નુ શેખચલ્લી

Comments