એ ખોખા જેવા રેડિયા ...


એ જમાનામાં જેના ઘરે નવો રેડિયો આવતો તેના ઘરે રાંદલ તેડ્યા હોય એવો માહૌલ થઈ જતો ! મોટા ખોખામાંથી ભૂસું દૂર કર્યા પછી નાનું ખોખું નીકળે, એમાંથી વળી ચકચકિત પોલીશવાળા ખોખા જેવો રેડિયો નીકળે ! રેડિયોની પધરામણી કરવા માટે ખાસ છાજલી બનાવડાવી હોય. રેડિયોમાં ધૂળ ન પેસી જાય તે માટે તેની ઉપર ઘરની વહુએ જાતે ગુંથેલું  કાપડ ઓઢાડવામાં આવતું. ઘરનાં સાસુજી અડોશ પડોશમાં પેંડા વહેંચીને નોંતરાં મુકી આવે. “અમારા ઘરે રેડિયો આવ્યો છે. હમણાં ચાલુ કરે છે. જોવા આવજો !”

‘સાંભળવાની’ ચીજને ‘જોવા’ આવનારા પણ એટલા જ ઉત્સાહી હોય. ખાસમખાસ પાડોશીઓ રેડિયોના એરિયલની ક્યાં અને શી રીતે સ્થાપના કરવી તેની ચર્ચામાં ગૂંથાયેલો હોય. ‘એરિયલ’ નામની એ ચીજ બેડમિંગ્ટન અથવા ટેબલ-ટેનિસની ‘નેટ’ની મિની છતાં એક્સ્પાન્ડેડ આવૃત્તિ હોય. તેની જાળીદાર પટ્ટીની પહોળાઈ માંડ સવા બે ઈંચ હોય પરંતુ લંબાઈ 10-12 ફૂટથી ઓછી ના હોય.

આ એરિયલ સાથે જોડાયેલો એક તાર રેડિયોની પીઠમાં ખોસવામાં આવે... રેડિયાની બગલમાંથી નીકળેલો બીજો તાર વીજળીના પ્લગમાં ખોસવામાં આવે..... પછી  સ્વીચ ‘ઓન’ કરવામાં આવે !

અને ?......... અને ?.... રેડિયોમાં એક નાનકડી બત્તીનું અજવાળું તો થાય, પરંતુ રેડિયોમાંથી અવાજ આવતાં પહેલાં એક વિચિત્ર ઘરઘરાટી વડે સસ્પેન્સ ઊભા થાય !

છેવટે કોઈ એક્સ્પર્ટ અનુભવી નજરે નોંધે કે હા, રેડિયો પુરતો ગરમ થયો છે તે દર્શાવતી મીની-બત્તી પણ ચાલુ થઈ ગઈ છે, એટલે તે પેલા કેરમબોર્ડના સ્ટ્રાઈકર જેવડું બટન ગોળ-ગોળ ફેરવીને ‘સ્ટેશન પકડે’ ! સ્ટેશન પકડાય ત્યારે પણ પેલી મીનીબત્તી પીળીમાંથી ઝાંખી લીલી અને છેવટે ઝગારા મારતી લીલી થાય... ત્યારે જાણવું કે રેડિયો ‘ઓક્કે છે !’ 

અંદરથી અમીન સયાની, મનોહર મહાજન કે દિગંબર સ્વાદિયા જેવા જાણીતા મધુર અથવા  કર્કશ અવાજ સંભળાય... પણ જો ગાયન આવવાને બદલે ઘરઘરાટી સાથે કંઈક હવામાન સમાચાર જેવું સંભળાવા લાગે તો મહેમાનોનો મૂડ મરી જતો ! પણ હા, પહેલા જ મહુરતમાં જો લતા મંગેશકરનું ‘હવા મેં ઉડતા જાયે મોરા લાલ દુપટ્ટા મલમલ કા..’ જેવું ગાયન સંભળાય તો તેને લોકો શુભ શુકન માનતા અને કહેતા “લાડ સાહેબ, તમારો રેડિયો તો બહુ વરસો લગી ચાલવાનો, હોં !”

એ જ ખોખા આકારના રેડિયોમાં અમે ‘વોઈસ ઓફ અમેરિકા’ ‘બીબીસી લંડન’ અને ‘રેડિયો મોસ્કો’થી આવતાં મોજાં ઝિલેલા છે ! રાત્રે છેક દોઢ વાગે કોઈ અરેબિક સ્ટેશન પરથી ‘અલ હબીબી-બિન-હલીલ-વલ-વલીલી...’ એવું વિચિત્ર લાંબું લાંબુ વાક્ય સળંગ દોઢ મિનિટ સુધી એટલા માટે સાંભળતા હતા કે એ પછી મુહંમદ રફી કે કીશોરકુમારના અવાજમાં મસ્ત ગાયન બિલકુલ સ્પષ્ટ રીતે સાંભળવા મળતું !

એ ખોખા જેવા રેડિયોના ખળભળખળભળ અવાજોની વચ્ચે ફિલ્મી ગાયનો સાંભળવા અમે એટલા બધા ટેવાઈ ગયા હતા કે જ્યારે FM રેડિયો ઉપરથી એ જ જુનાં ગાયનો ‘ખળભળખળભળ’ના અવાજો વિના સાંભળ્યાં ત્યારે પહેલી શંકા એ જ હતી કે “આ કંઈ નકલી રેકોર્ડ વાગતી લાગે છે !” (રેકોર્ડ ઘસાવાનો અવાજ પણ ‘ઓથેન્ટિક’ હોવાનો પુરાવો હતો કારણ કે લગ્નો, મેળા અને સરકસોમાં એવી ઘસાયેલી રેકોર્ડો જ વાગતી !)

- અને હા, બિનાકા ગીતમાલાની ‘અગલી પાદાન’ને અમે ‘અગલી બાદામ’ સમજીને સાંભળ્યા કરતા હતા.

- મન્નુ શેખચલ્લી

e-mail : mannu41955@gmail.com

Comments