લોકડાઉનનું જમા ઉધાર ...

આ લોકડાઉનમાં આપણને શું મળ્યું? અને આપણે શું ખોયું? ફિલોસોફી નહીં, સીધા જમા ઉધારના હિસાબ ગણો ને...

***


જમા

કોરોના વાયરસ સામે લડવા માટે રતન ટાટા તરફથી 500 કરોડ, મુકેશ અંબાણી તરફથી 150 કરોડ, અક્ષયકુમાર તરફથી 25 કરોડ... અને બીજા દાતાઓના મળીને લગભગ 5000 કરોડ રૂપિયા...

ઉધાર

RBIએ મેહુલ ચોકસી, વિજય માલ્યા તથા બીજી 48 પાર્ટીઓના 68,000 કરોડ માંડી વાળ્યા ! (કાલના જ ન્યુઝ છે.)

***

જમા

લોકડાઉનના કારણે ભારતની નદીઓનાં પાણી કાચ જેવાં શુધ્ધ થઈ ગયાં...

ઉધાર

છતાં આવા કપરા સમયે અમુક નેતાઓ, સંઘરાખોરો, કાળાબજારીયાઓ અને કટ્ટરવાદીઓ પોતાની મેલી મુરાદ છોડતા નથી !

***

જમા

આખા દેશના પોલીસો, મેડિકલ કર્મીઓ તથા સરકારી અધિકારીઓએ ખડે પગે સતત સેવાઓ આપી. દેશવાસીઓએ એમની કદર પણ કરી..

ઉધાર

ચીનથી મંગાવેલી રેપિડ ટેસ્ટિંગ કીટમાં 145 ટકા નફો ખાધા પછી પણ એ તમામ પાંચ લાખ કીટ ખામીવાળી નીકળી ! (દળી દળીને ઢાંકણીમાં !)

***

જમા

જલંધરથી હિમાલયના પહાડો દેખાય છે... અમદાવાદ RTOથી પીરાણાનો કચરાનો ડુંગર દેખાય છે...

ઉધાર

અત્યંત ગરીબ લોકો સુધી જરૂરી સહાય ન પહોંચવાથી એમને ધોળે દહાડે તારા પણ દેખાય છે !

***

જમા

ઘરનું રાંધેલું પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ભોજન ખાઈને સૌને સમજાયું છે કે ફાસ્ટ-ફૂડની કંઈ જરૂર નથી.

ઉધાર

જોકે ખાઈ ખાઈને આપણા પેટ વધી રહ્યા છે ! પડ્યા રહીને બોડી આળસુ થઈ ગયાં છે ! લાગે છે કે કસરત,યોગા કે જિમની પણ જરૂર નથી !

***

- મન્નુ શેખચલ્લી

 

Comments