નવા ગીતકારો આંધળા બહેરા છે ?

(જુનાં ગીતો, નવાં ગીતો... લેખાંક -૨)

એવું શા માટે બને છે કે છેક ’60ના દાયકામાં લખાયેલા ગીતો હજી 60 વરસે પણ ભૂલી શકાતાં નથી અને માંડ 20 વરસ પહેલાં લખાયેલાં ગીતોમાંથી કોઈ ગીત ‘યાદગાર’ નથી લાગતું ?

વાંક ગીતકારોનો છે. સંગીતકારોએ તો કંઈ કેટલીયે સુંદર મેલોડિયસ ટ્યૂન્સ બનાવી છે પણ આજના ગીતકારોએ એમાં કોઈ જાતની ‘મહેનત’ કરી હોય તેમ લાગતું જ નથી.

નવા ગીતાકારો ઊપર તૂટી પડતાં પહેલાં એક વાત સમજી લેવા જેવી છે. એ જમાનામાં પણ 80 ટકા ગીતો લવ, પ્રણય, રોમાન્સ, જુદાઈ, વિરહ, નટખટ છેડતી, ડાન્સ-મસ્તી અને પ્રેમના વિવિધ રંગોની આસપાસ જ લખાતાં હતાં.

બાકીનાં 20 ટકા ગીતોમાં ભજનો, ફિલોસોફિકલ ગીતો, દેશભક્તિ અને ઉત્સવો તહેવારો વગેરેની થિમો આવતી હતી. આજે એમાં ખાસ ફરક નથી પડ્યો. હા 80-20ને બદલે કદાચ 90-10નો રેશિયો થઈ ગયો છે.

બીજી બાજુ છેલ્લા વીસ વરસમાં હિન્દી ફિલ્મોમાં કંઈ કેટલાય નવા નવા વિષયો આવી ગયા ! એ સમયે પ્રેક્ષકોએ કલ્પના પણ ના કરી હોય એવા સંબંધોની વાર્તાઓ આવી ગઈ. જેમ કે‘બધાઈ હો’ ‘શુભ મંગલ સાવધાન’ ‘દોસ્તાના’ ‘સોનુ કે ટિટ્ટુ કી બિટ્ટુ’ વગેરે.

અરે, રોમાન્સના પણ કેટલા જુદા જુદા રંગો પરદા ઉપર આવી રહ્યા છે ? આજની ફિલ્મોમાં છોકરો-છોકરી એકબીજા સાથે સેક્સ માણવા સુધી ફટાફટ પહોંચી જાય છે. પણ એ સેક્સ પહેલાંની કે પછીની ફીલિંગ્સ કોઈ ગાયનમાં કદી આવી જ નહીં !
એ તો ઠીક, હિરો-હિરોઈનને ‘સેક્સ-સંબંધ’ અને ‘પ્રેમસંબંધ’ વચ્ચે જાતજાતનાં કન્ફ્યુઝનો થયાં કરે છે છતાં સમ ખાવા પુરતું એક એવું ગીત નથી મળતું કે જે ‘શરીર’ અને ‘મન’ અથવા ‘લસ્ટ’ અને ‘લવ’ વચ્ચેની જે પાતળી ભેદરેખા છે તેને અન્ડરલાઈન કરી આપે ! જો એ ગીતો હોત તો નવી પેઢીને પોતાનાં કન્ફ્યુઝનોનાં ‘ઉકેલ’ નહિ પણ ‘અભિવ્યક્તિ’ તો મળી હોત ને ?

હવે આ જ વાત ‘રજનીગંધા’ (1974) ફિલ્મના ગીતમાં છે ! એમાં ગીતકાર યોગેશે શું લખ્યું છે ?

“કઈ બાર યૂં હી દેખા હૈ, યે જો મન કી સીમારેખા હૈ, મન તોડને લગતા હૈ... અનજાની ચાહ કે પીછે, અનજાની રાહ કે પીછે મન દૌડને લગતા હૈ...”

જોયું ? વાત તો એ જ છે ને ? એ સમયે ‘મન કી સીમા રેખા’ની વાત હતી, આજે ‘તન કી સીમા રેખા’ની વાત છે ! પરંતુ કેમ કોઈ ગીતકાર એનું ગીત લખતો નથી ? કેમ કોઈ ડિરેક્ટર કે પ્રોડ્યુસરને આવું ગીત લખાવવાનું સુઝ્યું નથી ?

વધુ એક દાખલો આપું. ફિલ્મ ‘લીડર’નું આ ગીત જુઓ. એમાં રોમાન્સનો કયો રંગ છે ? છોકરી કહે છે :

“મેરે દિલ મેં કસક સી હોતી હૈ, તેરી રાહ સે જબ મૈં ગુજરતી હું... ઈસ બાત સે યે ન સમજ લેના, કિ  મૈં તુજસે મહોબ્બત કરતી હું !”

આના જવાબમાં છોકરો કહે છે : “મૈં ભી હું અજબ ઇક દિવાના, મરતા હું ન આહેં ભરતા હું, કહી ભૂલ સે યે ન સમજ લેના, કિ મૈં તુજ સે મહોબ્બત કરતા હું !”

આજની લગભગ તમામ ફિલ્મોમાં આ જ ટાઈપનો રોમાન્સ હોય છે ને ! છોકરો અને છોકરી એકબીજાને ‘લવ’ કરે છે કે નહીં એનું કન્ફ્યુઝન તો છે જ પણ જોડે જોડે એકબીજા સામે ‘ભાવ’ પણ ખાતા રહે છે ! હવે કહો, આ ફીલિંગ્સને લગતાં કેટલાં નવાં ગીતો આવ્યાં ?

આજના યુવાનોની આખેઆખી વોકેબ્યુલરી બદલાઈ ગઈ છે. ‘જાનુ, સ્વીટુ, લવ-યુ, મિસ-યુ, મિ-ટુ, ઓસ્સમ, ડૂડ, બેબી, ચિલ, કુલ, હાર્ડ, ફન્ડા, શેન્ડી...’ આમાંના કેટલા શબ્દો નવા ગીતોમાં સાંભળવા મળે છે ? આજે ફ્રેન્ડશીપની શરૂઆત ‘રિક્વેસ્ટ’થી થાય છે, ઓળખાણ ‘પ્રોફાઈલ પિક’થી થાય છે, મોબાઈલમાં ‘ચેટ’ થાય છે, મોડી રાત લગી ‘વિડીયો કોલિંગ’ ચાલે છે, ‘શાદી-ડોટ.કોમ’ ઉપર જીવનસાથી શોધાય છે, ‘ટિન્ડર’ ઉપર ‘ડેટિંગ’ થાય છે, પ્રેમનું નવું નામ ‘રિલેશનશીપ’ છે, છૂટા પડવાનું નવું નામ ‘બ્રેક-અપ’ છે... અરે, એક ‘ડિસ્ટન્સ રિલેશનશીપ’ નામનો નવો પ્રેમસંબંધ ચાલુ થયો છે.

પણ આના ગીતો ક્યાં છે ? ફરિયાદ એ નથી કે નવી પેઢી આવું કશું ગાવા-સાંભળવા નથી માગતી, ફરિયાદ એ છે કે નવા ગીતકારોને આવું કશું ‘દેખાતું’ કે ‘સમજાતું’ જ નથી !

***

- મન્નુ શેખચલ્લી

Comments