પહેલાં... અને આજે... ?!


કોરોનાની મહામારીએ બધું ઊંધું-ચત્તું કરી નાંખ્યું છે ! પહેલાં જ્યાં જેવું હતું એના કરતાં આજે કંઈ બીજું જ થઈ રહ્યું છે.

***

પહેલાં...

આપણે હિમાલયના પહાડો જોવા માટે છેક કાશ્મીર સુધી જતા હતા.

આજે...

માત્ર જલંધર સુધી જાવ તોય ચાલે એમ છે !

***

પહેલાં...

‘કુંડાળામાં પગ પડી ગયો છે’ એ વાક્યનો ખરાબ અર્થ થતો હતો.

આજે...

શાકભાજી અને કરિયાણું ખરીદવા માટે બહેનોને રીતસર ‘કુંડાળા’ દોરી આપવામાં આવે છે !

***

પહેલાં...

“પેટ્રોલ-ડિઝલના ભાવ કેમ ઘટતા નથી?....” એવો દેકારો મચાવી મુકતા હતા.

આજે....

મફતના ભાવે મળે છે તોય કોઈ લેવા જતું નથી !

***

પહેલાં....

જે લોકો “પાકિસ્તાનને સીધું કરી નાંખવા માટે વૉર કરી નાખવી જોઈએ” એવું કહેતા હતા...

આજે...

એ જ લોકો લારીની શાકભાજીને ય હાથ લગાડતાં ડરે છે !

***

પહેલાં...

જે લોકો ચાંદ-સિતારા તોડી લાવવાની ડંફાશો મારતા હતા...

આજે...

એ જ લોકો 135નો એક મસાલો ક્યાંયથી લાવી શકતા નથી !

***

પહેલાં...

આખેઆખી મેચ ટીવી સામે બેસીને જોયા કરવાને બદલે ફક્ત છેલ્લી બે-ત્રણ ઓવર જોઈ લેતા હતા, એ જ રીતે...

આજે....

આખો દહાડો ન્યુઝ-ચેનલ સામે ચોંટી રહેવાને બદલે સાંજે પાંચ મિનિટમાં ‘સ્કોર’ જોઈ લઈએ છીએ !

***

અને હા, પહેલાં અમુક લોકોને EVM ઉપર ભરોસો નહોતો, આજે એવા જ લોકોને ‘ટેસ્ટિંગ કિટ’ ઉપર ભરોસો નથી.

***

- મન્નુ શેખચલ્લી

Comments