કોરોનાકાળની ટચૂકડી જા×ખ !

આ કોરોના કાળમાં નવી નવી સેવાઓ શરૂ થઈ ગઈ છે પરંતુ તેની જાહેરાતો હજી આવતી નથી. જો આવવા લાગે તો તે કેવી હોય?....

***


માવા-ગુટકા હોમ  ડિલીવરી

માવા શોખીનો માટે ખુશખબર ! તમાકુના પાન મસાલાના બંધાણીઓ માટે નવી સેવા શરૂ થઈ છે.

ઘેર બેઠાં મંગાવો... ઉત્તમ ક્વોલીટીનો તંબાકુ, શુધ્ધ ચૂનો તથા આપની પસંદના મિશ્રણવાળા, મસળીને ‘રેડી-ટુ-ઈટ’ હોય તેવા માવા ઘેરબેઠાં મંળશે.

ડિલીવરી ડ્રોન દ્વારા. સમય : રાતના  3 થી 4.
ખાસ નોંધ : ડીલીવરી લેતી વખતે લાઈટો ચાલુ કરવી નહીં. પોલીસ કેસ થાય તો અમે જવાબદાર નથી.

***

ગોર મહારાજ જોઈએ છે

ઓનલાઈન જીવનસાથી પસંદગી કરાવી આપનાર મેરેજ બ્યુરોને તાત્કાલિક ધોરણે, તથા ખાનગીમાં લગ્ન કરાવી આપે તેવા ગોર મહારાજ જોઈએ છે.

દરેકે દરેક શહેરમાં નીમણુક કરવાની છે. ગુપ્તતા જાળવીને, પોલીસની નજરોથી બચીને, મિનિમમ અડધો કલાકમાં લગ્નવિધિ પતાવી આપનારને પ્રથમ પસંદગી.

***

તત્કાલ છૂટાછેડા માટે મળો

શું ઝઘડાળુ જીવનસાથી સાથે લોકડાઉનમાં ફસાઈ ગયા છો ? શું રોજરોજના કકળાટોથી ત્રાસી ગયા છો ? તાત્કાલિક અમારો સંપર્ક કરો.

તત્કાલ ઓનલાઈન એપ્લીકેશન દ્વારા છૂટાછેડાની અરજી કરાવી આપવામાં આવશે. ઝડપી ઓનલાઈન સુનાવણી બાદ ઝડપી ઓનલાઈન ચૂકાદો પણ મેળવી આપવાની ગેરંટી.

ખાસ નોંધ : ઓનલાઈન કેમેરા સામે અસલી જજ જેવી એક્ટિંગ કરી શકે તેવા કલાકારો પણ જોઈએ છે.

***

કવિઓને શ્રોતા મળશે

યુ-ટ્યુબ ઉપર ચડાવેલી તમારી કવિતાઓને સાંભળવા માટે જથ્થાબંધના ભાવે શ્રોતાઓ મળશે ! ભલભલી કવિતાઓને સહન કરી શકે એવા સેંકડો પ્રોફેશનલ શ્રોતાઓ અમારી પાસે ઓનલાઈન સ્ટોકમાં છે.

ભાવ : એક ‘વ્યુ’ દીઠ 10 રૂપિયા. ‘લાઇક’ના 50.

***

- મન્નુ શેખચલ્લી

Comments