તમામ ફિલ્મ રસિયાઓની ફરિયાદ છે કે નવાં ફિલ્મી ગાયનોમાં શબ્દોનાં કોઈ ઠેકાણાં નથી હોતાં. આની પાછળનાં કારણો શું છે ? શું આજની પેઢીના યુવાનોને ગાયનના ‘વર્ડઝ’માં ‘ઇન્ટ્રેસ્ટ’ જ નથી ? કે પછી ગીતોના લખનારાઓ યાને કે ‘જણનારામાં જ જોર’ નથી ?
ફિલ્મ ‘ગલી બોય’ના એક ગીતને નેશનલ એવોર્ડ મળ્યો છે. એના શબ્દો જરા ધ્યાનથી વાંચો – ભલે ગાયન ધ્યાનથી ના સાંભળ્યું હોય...
“અપના ટાઈમ આયેગા, તૂ નંગા હી તો આયા હૈ,
ક્યા ઘંટા લે કે જાયેગા ? અપના ટાઈમ આયેગા...
ઊઠ જા અપની રાખ સે તૂ,
ઊઠ જા અબ તલાશ મેં,
પરવાઝ દેખ પરવાને કી,
આસમાં ભી સર ઊઠાયેગા,
અપના ટાઈમ આયેગા...
મેરે જૈસા શાણા લાલા,
તુઝે ના મિલ પાયેગા,
યે શબ્દોં કા જ્વાલા મેરી,
બેડિયાં પિઘલાયેગા...
જિતના તૂ ને બોયા હૈ,
ઉતના હી તૂ ખાયેગા,
ઐસા મેરા ખ્વાબ હૈ જો,
ડર કો ભી સતાયેગા...
જિન્દા મેરા ખ્વાબ,
અબ કૈસે તૂ દફનાયેગા...
સબ કુછ મિલા પસીને સે,
મતલબ મિલા અબ જીને મેં..
ક્યું કિ, અપના ટાઈમ આયેગા...”
જોયું ? શબ્દોમાં દમ છે ને ! છતાં હજી હજારો લાખો વડીલ સંગીતપ્રેમીઓ એવા હશે જે આ રેપ-સોંગને ધ્યાનથી સાંભળ્યા પછી યે કહી દેતા હશે કે, “જુઓ ને, કેવાં કેવાં વાહિયાત ગાયનો આવે છે આજકાલ ?”
જોકે વડીલોની વાત પણ ખોટી નથી. ફિલ્મી ગીતોમાં શ્રેષ્ઠ કામ ’50 અને ’60ના દાયકામાં થયું. ’70ના દાયકામાં તેમાં નબળાં ઉમેરાં થયા. ’80ના દાયકામાં તેની બગડેલી નકલો આવવા માંડી. ’90ના દશકામાં એ નકલો પણ સાવ રેઢિયાળ થઈ ગઈ. અને સન 2000 પછી જે મલ્ટિપ્લેક્સનો જમાનો આવ્યો એમાં તો ગીતના શબ્દોનું પસ્તી જેટલું ય મહત્વ રહેવા દીધું નહિ.
આવા ખરાબ સમયમાં જ્યારે ‘ગલી બોય’નું આવું આગથી સળગતું, આક્રોશથી ઉછળતું અને ‘મેલડી’ (યાને કે સૂરીલાપણું)ની બેધડક પરવા કર્યા વિનાનું ‘રૅપ સોંગ’ આવી ચડે ત્યારે મારા જેવા જુજ ‘લિસનર’નું ધ્યાન ખેંચાયા વિના રહેતું નથી. પરંતુ કમનસીબે આવાં ગીતો છેલ્લા 20 વરસમાં જવલ્લે જ મળ્યાં છે. રહી વાત રૅપ સોંગની, તો ‘મેરા નામ જોકર’નું કવિ નીરજ દ્વારા લખાયેલું આ ગીત વાંચો :
“મરને સે ડરતા હૈ ક્યું,
ગિરને સે ડરતા હૈ ક્યું,
ઠોકર ન જબ તક તૂ ખાયેગા,
પાસ કિસી ગમ કો,
ન જબ તક બૂલાયેગા...
જિંદગી હૈ ચીજ ક્યા,
નહીં જાન પાયેગા,
રોતા હુઆ આયા હૈ,
રોતા ચલા જાયેગા...
એ ભાઈ જરા દેખ કે ચલો...”
‘ગલી બોય’ અને ‘જોકર’નાં આ બે ગીતો વચ્ચે ખાસ પ્રકારની સામ્યતા છે ને ! બન્ને ગીતો નિષ્ફળતા ની ધાર ઉપર ઊભા રહીને સફળતા માટે ઝઝૂમતા લોકોની વાત લઇને આવે છે. ફરક એટલો જ છે કે સંગીતકાર શંકર જયકીશને નીરજની છૂટી છવાઈ લગભગ અછાંદસ પંક્તિઓને ‘ગાઈ શકાય’ એવી ધૂનમાં પરોવી આપી. જેના કારણે આજે પણ મુંબઈની લોકલ ટ્રેનના જિંદાદિલ પ્રવાસીઓ તેને ડબ્બામાં ઊભા ઊભા, બોગીના પતરાં ઉપર તબલાં વગાડતાં મોજથી ગાય છે ! (એનો વિડીયો પણ ફરતો થઈ ગયો છે.)
બીજી બાજુ, ‘ગલી બોય’ના પેલા ગીતને એટલી લોકપ્રિયતા મળશે એવી કલ્પના જ કરી શકાતી નથી. કારણ એટલું જ કે એનું ‘રૅપ-સોંગ’નું ફોર્મેટ (ગાવાનું નહીં, પણ બોલ-બોલ કરવાનું) આપણા દેશના જુવાનિયાઓની જીભે હજી પણ ચડતું નથી. બાકી, જોવા જાવ તો, નીરજ સાહેબનું એ ‘જોકર’નું ગીત રૅપ-સોંગ જ છે ને !
અહીં મૂળ લોચો ‘અક્કલ વિનાની નકલ’નો છે. ધોળિયાઓની અંગ્રેજી ભાષા તથા યુરોપની ભાષાઓ ઓલરેડી એટલી અટપટી અને સીમિત છે કે શબ્દોના પ્રાસ મળવા બહુ મુશ્કેલ છે. ક્યારેક પ્રાસ બેસાડી લો તો છંદ, મીટર કે મ્યુઝિકના માપમાં બેસાડવા ભારે પડે છે. એટલે એમને આવું ખરબચડું ‘રૅપ-સોંગ’ ફાવી ગયું છે !
આપણે ત્યાં ભારતમાં ‘રેપ’નો ચસકો આખા દેશમાં લાગ્યો જ નથી છતાં ધારાવીની ઝુંપડપટ્ટીના કોઈ ગરીબ ‘રૅપર’ જુવાનની કહાણી પર ફિલ્મ બની જાય છે ! એટલું જ નહિ, એ ફિલ્મને પણ નેશનલ એવોર્ડ મળી જાય છે ! જય હો...
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment