સાવ એવું પણ નથી કે લોકડાઉનથી ગરીબોને જ તકલીફ થઈ છે...
ભલભલા પૈસાદારોને ગુટકા, તમાકુ, પાન-મસાલા, સિગારેટ અને શરાબ વિના બહુ પીડા સહેવી પડી છે.
***
સાવ એવું પણ નથી કે જલંધરથી છેક 200 કિલોમીટર દૂરના હિમાલયના પહાડો દેખાઈ રહ્યા છે...
અહીંની બાલ્કનીથી માત્ર 20 મીટર દૂરની રૂપાળી પડોશણ પણ સરખી રીતે જોવા મળતી નથી.
***
સાવ એવું પણ નથી કે શાળા-કોલેજો બંધ થવાથી કોઈ ભણતું જ નથી...
વોટ્સ-એપ યુનિવર્સિટીના ક્લાસિસ સતત ચાલુ જ હોય છે.
***
સાવ એવું પણ નથી કે અભણો અને ઓછું ભણેલાઓ જ અંધશ્રધ્ધા ફેલાવે છે.
ભણેલા ગણેલા પણ ‘નવડા-દિવડા’ અને ‘શુક્ર-મંગળ’ની થિયરીઓ ચલાવે છે.
***
સાવ એવું પણ નથી કે કોરોના વિશેના ફની મેસેજોમાં ટિક-ટોકના વિડીયો જ છવાઈ ગયા છે..
એ તો રાહુલ ગાંધી આજકાલ સક્રિય નથી એટલે.
***
સાવ એવું પણ નથી કે હવા-પાણી બહુ ચોખ્ખાં થઈ ગયાં છે..
કાલે જ એક નેતાએ પાણીમાંથી પોરો કાઢીને બતાડ્યો હતો.
***
સાવ એવું પણ નથી કે ‘સોશિયલ ડિસ્ટન્સિંગ’ રાખવાથી જ કોરોનાના નુકસાનથી બચી શકાશે...
‘સોશિયલ મિડિયા ડિસ્ટન્સિંગ’થી પણ પોતાનો બચાવ થઈ શકે છે.
***
સાવ એવું પણ નથી કે ખાઈ ખાઈને લોકોનાં વજન વધી ગયાં છે...
અમારા પાડોશીને વધારે પડતું ખાવાથી જ ઝાડા થઈ ગયા છે ! (હજી મટ્યા નથી.)
***
સાવ એવું પણ નથી કે પ્રેમીઓ એકબીજા સાથે વાતો કરવા માટે વિડિયો કોલિંગ ઉપર જ મચી પડ્યા છે...
હજારો છોકરીઓ સાદુ કોલિંગ જ પસંદ કરે છે. કારણ કે બ્યુટિપાર્લરો બંધ છે.
***
સાવ એવું પણ નથી કે પતિઓ આખો દહાડો મોબાઈલમાં મોં ખોસીને, ટીવી સામું બેસીને કે છાપું ઉથલાવીને મુંગા મુંગા બેસી રહે છે...
અમુક પતિઓ જમતી વખતે બોલે પણ છે કે “આજે શાક કેમ આટલું ભંગાર લાગે છે ?”
***
સાવ એવું પણ નથી કે દેશના કરોડો લોકો એકબીજાને જોક્સ, ફની વિડીયો અને મજેદાર મિમ્સ મોકલીને ખુબ મનોરંજન કરાવે છે...
અમુક કવિઓ રોજ પોતાની કવિતાના વિડીયો પણ મોકલે છે !
***
સાવ એવું પણ નથી કે બારીમાંથી આવતો પક્ષીઓનો કલરવ લોકોને સાંભળતાં નથી આવડતું...
હવે તો એની પણ ઓડિયો-ક્લિપ્સ મોબાઈલમાં આવે છે !
***
સાવ એવું પણ નથી કે સરકારને કોરોનાના મૃત્યુદરને નાથવામાં સફળતા નહિં મળે...
શક્ય છે કે નવેમ્બર - ડિસેમ્બર માં જન્મદર પણ બેકાબૂ થઈ ગયો હશે !
***
અને હા, એવું તો હરગિઝ નથી કે ફાસ્ટ-ફૂડ કે જંક-ફૂડ વિના જીવી શકાય છે...
કેમકે ઘરમાં દર બીજા દિવસે મેગી બને છે અને દર ત્રીજા દિવસે સેન્ડવીચ અને ભેળ બને છે.
***
- મન્નુ શેખચલ્લી
e-mail : mannu41955@gmail.com
Comments
Post a Comment