કહે છે કે અમુક વ્યક્તિઓમાં કોરોના વાયરસ હોવા છતાં એનાં લક્ષણો પ્રગટ થતા નથી !
વાત સાચી છે. કોરોના સિવાય બીજા પણ અમુક વાયરસ એવા છે કે જેનાં છૂપાં લક્ષણો છેક અણીના સમયે પ્રગટ થતાં હોય છે. જેમ કે...
***
‘વાસના’ વાયરસ
અમુક ઢોંગી બાબાઓ, ધાર્મિક સંપ્રદાયના વડાઓ અને ઇલ્મી ધર્મગુરુઓમાં આ વાયરસ છૂપાઈને બેઠો હોય છે. બહારથી તેઓ બહુ સજ્જન, જ્ઞાની અને સાત્વિક દેખાતા હોય છે પરંતુ યુવાન મહિલા કે કુમળા બાળકનું એકાંત પ્રાપ્ત થતાં જ વાસના વાયરસનાં અસલી લક્ષણો પ્રગટે છે !
***
‘ભગિની’ વાયરસ
આજકાલની યુવતીઓ બોયફ્રેન્ડ જોડે રોમાન્સ કરતી રહે છે. પ્રેમમાં હોવાનો દેખાવ કરીને ભોળા યુવાન પાસે ગિફ્ટો, મોજમજા તથા બેલેન્સના બહાને પૈસા ખર્ચાવતી રહે છે.
પછી જ્યારે બીજો કોઈ વધુ પૈસાદાર છોકરો મળી જાય ત્યારે યુવતીમાં ભગિની ઉર્ફ ‘બહેન’નાં લક્ષણો પ્રગટ થાય છે ! તે અચાનક રાખડી બાંધીને જતી રહે છે !
***
‘એદી’ વાયરસ
સામાન્ય રીતે આ વાયરસ પતિઓમાં છૂપાયેલો હોય છે. સતત કામ કરતો, દોડધામ કરતો, રૂપિયા કમાવામાં બિઝી રહેતો હોય ત્યારે આ વાયરસના લક્ષણો છૂપાં રહે છે. પરંતુ હાલમાં ચાલી રહેલા લોકડાઉનમાં લગભગ 75 ટકા પતિઓમાં આ વાયરસના લક્ષણો પ્રગટ થઈ રહ્યાં છે ! તેઓ મોડા ઊઠે છે, માંડ માંડ નહાય છે, ખુબ ખાય છે, પાડાની માફક પડી રહે છે અને પત્નીને જરાય મદદ કરતા નથી.
***
‘રિપોર્ટર’ વાયરસ
માત્ર દોઢ બે મહિના પહેલાં જે લોકો ‘નોર્મલ’ લાગતા હતા તેઓમાં છૂપાયેલો આ વાયરસ હવે પ્રગટ થઈ ગયો છે ! આવા લોકો ઘેરબેઠાં (વર્ક ફ્રોમ હોમ) કરીને સમાંતર પત્રકારત્વ કરી રહ્યા છે... “ફલાણા ગામમાં બકરીને કોરોના થયો...” “ઢીંકણા બજારમાં આખી ટ્રક ભરીને કોરોના વાયરસ આવી ગયો છે !”
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment