ઘેરબેઠાં વાળ કાપવા છે ?


આજકાલ આ એકમાત્ર સર્વિસ એવી છે જે ઓનલાઈન મંગાવી શકાતી નથી !

લોકડાઉનમાં લોકોના વાળ-દાઢી વધી ગયાં છે. પુરુષોની હેર-સ્ટાઈલ રામાયણ – મહાભારત સિરિયલનાં પાત્રો જેવી થતી જાય છે. હજી બીજા 30 દિવસ લોકડાઉન ચાલુ રહશે તો પુરુષો માથામાં અંબોડા વાળતા થઈ જશે !

આવા સમયે અમુક લોકોને ઘેરબેઠાં જાતે જ વાળ કાપી નાંખવાનું જોશ ચડી આવે છે. આવા જોશીલાઓ માટે કેટલીક સૂચનાઓ...

***

દૂધની કોથળી કાપવા માટેની કાતર વડે માથાના વાળ કપાશે નહીં. સારી કાતર જોઈશે.

***

જે કાતર પસંદ કરો તેનાથી વાળ સરખા કપાય છે કે નહિ તે જોવા માટે પત્નીના થોડા વાળ કાપી જોવા.

***

આમ કરતી વખતે પત્ની ઊંઘમાં હોય તે સ્થિતિ તમારી 'સલામતી' માટે જરૂરી છે.

***

પોતાના વાળ કપાતી વખતે પંખો ફૂલ સ્પીડમાં રાખવો નહીં ! નહિતર છેક સોફાનાં કવરમાંથી વાળ કાઢતાં કાઢતાં થાકી જશો.

***

પોતાના વાળ કાપો તો કીચનથી દૂર રહીને જ કાપવા. નહિતર જમતી વખતે શાકમાંથી વાળ નીકળશે અને દાળમાંથી દાઢી !

***

જે લોકો જાતે દાઢી કરે છે તેમના માટે ખાસ સૂચના : માથાના વાળ કાપતા પહેલાં ત્યાં શેવિંગ ક્રીમથી ફીણ કરવાની જરૂર નથી !

***

અરીસામાં જોઈને કાપતા હો તો, ગરદન પાછળના વાળ કાપતી વખતી અરીસા સામે પીઠ કરવાની કોઈ જરૂર નથી. સમજ્યા ?

***

પોતાના વાળ જાતે કાપતા હો તો પહેલાં હેર-સ્ટાઈલનો વીમો ઉતરાવી લેવો.

***

અને બીજાના વાળ કાપવાના હો તો મારામારીથી થતી ઈજા, તોડફોડ તથા હત્યાના પ્રયાસો જેવી ઘટનાઓનો વીમો ઉતરાવી લેવો !

***

- મન્નુ શેખચલ્લી

Comments