રાજકારણ નામનો વાયરસ !


કોરોના વાયરસ કરતાં પણ અતિશય ઘાતક અને ખતરનાક વાયરસ આપણા દેશમાં વરસોથી ફરે છે. એનું નામ છે ‘રાજકારણ’…

આજે એનો થોડો પરિચય મેળવીએ.

***

‘રાજકારણ’ નામનો આ વાયરસ આખા દેશમાં વરસોથી ફેલાયેલો છે. તે સીધી સાદી નજરે જોઈ શકાય તેવો છે છતાં તે વાયરસનાં જંતુઓને મારી શકે, હટાવી શકે કે ઈવન નબળાં પાડી શકે તેવી કોઈ દવા હજી સુધી શોધાઈ નથી.

જોવાની વાત એ છે કે તેની દવા શોધનારાઓમાં પણ ‘રાજકારણ’  ઘૂસી જાય છે.

જે વ્યક્તિમાં આ વાયરસ ઘૂસે છે તેમાં વારાફરતી અમુક લક્ષણો દેખાવા લાગે છે. દાખલા તરીકે રાજકારણનો ચેપ લાગ્યો હોય તેની ચામડી ધીમે ધીમે જાડી થતી જાય છે. સંવેદના ધીમે ધીમે ઘટતી જાય છે. વ્યક્તિની જીભ લપસણી થઈ જાય છે. ક્યારેક જીભ ઉપરથી માખણ (મસ્કો)  ટપકે છે તો ક્યારેક લાળ ટપકવા લાગે છે. આ વાયરસની અસરથી જીભની બાહરી મીઠાશ વધી જાય છે પરંતુ મીઠાશના આવરણ નીચે ઝેરનું પ્રમાણ સતત વધતું જાય છે.

જ્યારે જ્યારે આ ઝેરનું મિશ્રણ ધર્મ સાથે થાય છે ત્યારે રાજકારણનાં જીવાણુંઓ અત્યંત જાનલેવા બની જાય છે. આ સ્થિતિમાં વાયરસનું સૌથી વિચિત્ર વર્તન એવું હોય છે કે તેનાં જીવાણુંઓ વાહકને કશું જ નુકસાન પહોંચાડતા નથી પરંતુ અનેક નિર્દોષોનો વિના કારણ જીવ લેવાઈ જાય છે.

કોરોના વાયરસ વિશે કહેવાય છે કે તે અત્યાર સુધીમાં પોતાનું DNA સ્વરૂપ નવ વખત બદલી ચૂક્યો છે. એ જ રીતે રાજકારણ નામનો વાયરસ તો અનેક વખત તેનું સ્વરૂપ બદલી શકે છે. ચૂંટણીના સમયે તે નમ્ર અને દયામણો બની જાય છે, ચૂંટણી પછી તે ઘમંડી અને તોછડો બની જાય છે, સત્તાની ખુરશી હાલક ડોલક થાય ત્યારે આ વાયરસ મુરાદાબાદી લોટાની માફક ગમે ત્યાં ડોલવા માંડે છે અને એકવાર સત્તાની ખુરશી પર બેસી જાય પછી તે ગુંદર અથવા ફેવિકોલ જેવો ચિટકુ બની જાય છે.

આ તો ‘રાજકારણ’ વાયરસની પ્રાથમિક માહિતી છે. વધુ વિગતો ફરી ક્યારેક -

***

- મન્નુ શેખચલ્લી

Comments