નિમ્મીના આશિકો આજે સિનિયર સિટીઝન થઈ ગયા હશે પણ એમને પૂછો તો કહેશે કે જે કંઈ હતું તે નિમ્મીના ફેસમાં જ હતું !
આજના જુવાનિયાઓને નિમ્મીનો ફેસ કેવો હતો તે શી રીતે સમજાવવું ?
એમને કહેવાનું કે તમે એક શ્રીદેવીનો ફેસ લઈ લો અને બીજો મુમતાઝનો. શ્રીદેવીનું નાક લઈને એને મુમતાઝ જેવડું ટુંકું કરી નાંખો અને સ્હેજ ઊંચું કરીને ચહેરા ઉપર ચિપકાવો.
હવે શ્રીદેવીના જાડા હોઠ લઈ લો પણ તેને મુમતાઝના હોઠ જેટલા નાનકડા કરી નાંખો.
આંખોમાં પણ એવું જ... આંખો લેવાની મુમતાઝ જેટલી ઝીણી પરંતુ એની પાંપણો રાખવાની શ્રીદેવી જેવી મોટી !
અને ભ્રમરો ? આહાહા... ત્યાં જ નિમ્મીની સ્પેશીયાલિટી આવે છે ! નિમ્મીની ભ્રમરોના વળાંક એટલા મોટા હતા કે જાણે એક જાડી કાળી બંગડીને બરોબર વચ્ચેથી તોડીને બે ટુકડા કરીને કપાળ ઉપર ચોંટાડી દીધી હોય !
ખેર, આતો ગમ્મતની વાત થઈ પરંતુ આજે જેટલા નિમ્મીના ચાહકો જીવતા છે એમના માથે ધોળા આવી ગયા હશે, છતાંય નિમ્મીનું નામ પડતાં જ એક ઠંડી આહ ભરીને કહેશે “આયે.... હાયે... નિમ્મી એટલે બસ, નિમ્મી !”
નિમ્મીની સેક્સ અપીલ કહો કે માદકતા. બધું જ એના ચહેરામાં હતું ! એ પણ નટખટ નાદાનિયતની મીઠી ચાસણીમાં બોળેલી હોય તેવી ! આજે નિમ્મીજી હયાત નથી. ગઈ 25 માર્ચે જ એમનું નિધન થયું.
નિમ્મીનો જન્મ આગ્રામાં થયો. અગિયાર વરસની ઉંમરે એણે માતાને ગુમાવી. ત્યાર બાદ પાકિસ્તાનના અબોટાબાદમાં (જ્યાં ઓસામા બિન લાદેન માર્યો ગયો) તેને તેની નાનીને ઘેર મુકવામાં આવી. 1947માં ભારતના ભાગલા પડ્યા ત્યારે નિમ્મીને લઈને તેની નાની પોતાની બીજી દિકરીને ત્યાં મુંબઈમાં રહેવા આવી ગઈ, જેનું ફિલ્મી નામ ‘જ્યોતિ’ હતું અને તે જી. એમ. દુરાની નામના તે સમયના ગાયક સંગીતકાર અને અભિનેતાની બેગમ હતી.
આઝાદી પછીના આ કાળમાં એમને મશહુર ફિલ્મ પ્રોડ્યુસર મહેબૂબ ખાન સાથે સારા સંબંધો હતા. રમતિયાળ નિમ્મી તે વખતે માંડ પંદર વરસની હશે. તે વારંવાર મહેબૂબ ખાનની નવી બની રહેલી ફિલ્મ ‘અંદાઝ’નું શૂટિંગ જોવા માટે પોતાની માસી સાથે પહોંચી જતી હતી.
બસ, એ વખતે જ નિમ્મીનાં ભાગ્ય ખૂલી ગયાં !
રાજ કપૂર, જે ‘અંદાઝ’માં અભિનય કરી રહ્યા હતા તે ‘બરસાત’ બનાવવાના પ્લાનિંગમાં હતા. એમાં હિરોઈન તો નરગિસ જ હતી પણ સાથે એક મજબૂત પેરેલલ રોલ માટે રાજ કપૂરને નવા ચહેરાની તલાશ હતી. એક દિવસ એમની નજર નિમ્મી ઉપર ઠરી ગઈ ! અને પછી કહે છે ને, રેસ્ટ વોઝ હિસ્ટ્રી...
‘બરસાત મેં, હમ સે મિલેં તુમ...’ અને ‘જિયા બેકરાર હૈ...’ નિમ્મી ઉપર ફિલ્માવેલાં આ બે ગાયનો એવાં સુપરહિટ નીકળ્યાં કે નિમ્મીની ગણના ટોપ હિરોઈનોમાં થવા લાગી.
છતાં જોવાની વાત એ છે કે નિમ્મીને અવારનવાર ‘પેરેલલ’
રોલ વધારે ફળ્યા. ‘અમર’માં મધુબાલા સામે, ‘આન’માં નાદિરા સામે, ‘શમા’માં સુરૈયા સામે, ‘ચાર ઘર ચાર રાહેં’ મીનાકુમારી સામે... એ તો ઠીક પણ આગળ જતાં સાઉથની એવીએમ પ્રોડક્શનની ફિલ્મ ‘પૂજા કે ફૂલ’માં નિમ્મીએ સામે ચાલીને આંધળી યુવતીનો પેરેલલ રોલ માંગ્યો કારણ કે ‘દીદાર’ પછી નિમ્મીને ફરી એકવાર પ્રજ્ઞાચક્ષુનો રોલ કરવાની ખુબ ઇચ્છા હતી ! (હિરોઈન માલાસિંહા હતી.)
કહેવાય છે કે નિમ્મીને હોલીવૂડમાં પણ ઓફરો આવી હતી ! નિમ્મીનું ઇંગ્લીશ કેવું હતું એ તો નથી ખબર પરંતુ એના નામે વિદેશી મિડીયામાં એક કિસ્સો બહુ મશહૂર થયો હતો.
મહેબૂબખાનની ‘આન’નું પ્રિમિયર ભવ્ય રીતે લંડનમાં રાખવામાં આવ્યું હતું. (‘આન’ના અંગ્રેજી વર્ઝનનું નામ ‘ધ સેવેજ પ્રિન્સેસ’ હતું !) એ વખતે જ્યારે તે લંડનમાં ફરી રહી હતી ત્યારે ‘એરલ ફ્લેન’ નામના તે વખતના હેન્ડસમ ફિલ્મસ્ટારે નિમ્મીને ચૂંબન કરવાની ચેષ્ટા કરી.
નિમ્મીએ પાછળ ખસી જતા કહ્યું “આઈ એમ એન ઇન્ડિયન ગર્લ ! યુ કાન્ટ ડુ ધેટ !” બસ, એ વખતે લંડનના છાપામાં હેડલાઈનો બની... “અન-કિસ્ડ ગર્લ ઓફ ઇન્ડિયા !”
માત્ર પંદર વર્ષની ઉંમરે ફિલ્મોમાં આવી પહોંચેલી નિમ્મીએ બહુ સિલેક્ટેડ અને ઓછી ફિલ્મો કરી. દસેક વરસની કારકિર્દી પછી તેણે કોઈ ગેબી કારણોસર રોલ લેવાના બંધ કર્યા. એની ઇચ્છા હતી કે બસ, છેલ્લો એક યાદગાર રોલ કરી લઉં પછી અલવિદા...
કે. આસિફની ડ્રીમ ફિલ્મ 'લવ એન્ડ ગોડ'માં લયલાનો રોલ નિમ્મી માટે પણ ડ્રીમ રોલ હતો. કમનસીબે શૂટિંગ લંબાતું ગયું. એવામાં મજનુનો રોલ કરી રહેલા ગુરુદત્તનું અચાનક અવસાન થયું. શૂટિંગ થયેલાં અનેક રીલ નકામાં થઇ ગયા.
છેવટે ગુરુદત્તને સ્થાને સંજીવકુમારને લીધા પછી શૂટિંગ ફરી શરૂ થયું પણ થોડા જ મહિનાઓમાં કે. આસિફનું મૃત્યુ થયું...
એ ઘટનાના વરસો બાદ ફિલ્મમાં કઢંગી રીતે થિગડાં મારીને થિયેટરોમાં રિલીઝ કરાઈ પણ પ્રેક્ષકો નિરાશ થયા. જોકે યુ-ટ્યુબ ઉપર નિમ્મીના છેલ્લા ઈન્ટરવ્યુ જુઓ તો જરૂરથી કહી શકાય કે નિમ્મીજી પોતાની જિંદગી કે કેરિયરથી હંમેશા ખુશ હતાં.
અનાયાસે આવી પડેલા સ્ટારડમ કે અણધારી રીતે અધૂરી રહી ગયેલી કેરિયર, બન્નેને એમણે સહજતાથી સ્વીકારી લીધાં હતાં. વી લવ યુ નિમ્મી જી .
Comments
Post a Comment