તમે પેલા મેસેજો તો વાંચ્યા જ હશે કે લોકડાઉન પછી અમુક વાતો સાબિત થઈ ગઈ છે કે... ‘જંક-ફૂડ વિના જીવી શકાય છે...’ ‘બ્યુટિ-પાર્લરો વિના પણ ખુબસુરતી ટકી શકે છે...’ વગેરે.
અમે પણ એવાં નવાં સત્યો શોધી કાઢ્યાં છે ! જુઓ...
***
વીસ દિવસના લોકડાઉન પછી ભલભલી જોક્સ વાસી લાગવા લાગે છે...
***
લેખકો, કવિઓ, ચિંતનવાળાઓ... આ બધા લોકોને બધું પોઝિટીવ જ દેખાય છે.
(જ્યાં સુધી એમનો પોતાનો રિપોર્ટ ‘પોઝિટીવ’ ના આવે ત્યાં સુધી જ.)
***
લેખકો, કવિઓ અને ચિંતનવાળાઓ તો વિશ્વયુદ્ધમાંથી પણ ફાયદાઓ શોધી શકે છે.
***
લોકડાઉનમાં ઓનલાઈન વાળ કપાવી શકતા નથી.
***
વીસ દિવસના લોકડાઉન પછી આન્ટીઓની ફોન ઉપરની વાતો વીસ મિનિટમાંથી ઘટીને માત્ર પાંચ મિનિટ થઈ જાય છે પણ કવિઓની કવિતાઓ ખૂટતી નથી.
***
મામુલી લોકો રાહ જોતા હોય છે કે ભૈશાબ, હવે આ લોકડાઉન ક્યારે ખુલશે ?
પણ કવિઓ રાહ જોતા હોય છે કે યુ-ટ્યુબ ઉપર ચડાવેલી મારી કવિતાના 27 વ્યુમાંથી 37 વ્યુ ક્યારે થશે ?
***
કેટલાક લોકો ખરેખર એવું માનતા થઈ ગયા છે કે માત્ર દુરદર્શન જોઈને જીવી શકાય છે.
***
વીસ દિવસના લોકડાઉન પછી હજી ઘણા લોકોને સમજાતું નથી કે ‘ડેન્ટિસ્ટો’ને ડોક્ટરો કહેવાય કે નહીં ?
***
લોકડાઉનનું સત્ય એ છે કે ફેસબુકમાં હવે ‘આજે ઘરમાં જે રાંધ્યું હતું’ તેના ફોટા સિવાય બીજું કંઈ મુકવા જેવું રહ્યું જ નથી.
***
ઓનલાઈન બેસણું, ઓનલાઈન શ્રધ્ધાંજલિ, ઓનલાઈન સગાઈ, અરે ઓનલાઈન લગ્ન પણ શક્ય છે... પરંતુ ઓનલાઈન હનિમૂન હજી શક્ય નથી.
***
સૌથી મોટું સત્ય એ છે કે હવે જીવનનું સત્ય પણ ‘ઓનલાઈન’જ આવે છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment