અમુક ઉત્સાહીઓ ઘરમાં બેઠાં બેઠાં યોગાસનો કરવાનું શીખી રહ્યા છે... અમે કહીએ છીએ કે મિત્રો, તમે ઓલરેડી અમુક આસનો કરી જ રહ્યા છો ! જુઓ...
***
ઊંઘાસન
ઊંધા, ચત્તા, આડા પડખે, ત્રાંસા થઈને, ટુંટિયું વળીને કે પહોળા થઈને.. આ આસન વિવિધ મુદ્રાઓ વડે કરી શકાય છે. મોડી સવાર સુધી પલંગ ઉપર તથા ભરબપોરે સોફા ઉપર આ આસન કરવાથી... ઊંઘ સારી આવે છે !
***
સોફાસન
છાપું વાંચતી વખતે પહોળા થઈને, જુની મેચ જોતી વખતે ધાર પર આવીને, જમ્યા પછી આડા પડીને, મોબાઈલમાં ગેમ રમતાં વાંકાચૂકા થઈને, પ્રિય પાત્ર સાથે વાત કરતાં કરતાં ઓશિકું દબાવીને તથા મોડી રાત્રે ભલતું સલતું કન્ટેન્ટ મોબાઈલમાં જોતાં જોતાં સંતાઈને બેસવા જેવા વિવિધ પોઝ ધારણ કરવાથી... સોફાની કિંમત વસૂલ થાય છે !
***
લેપટોપાસન
આમાં બે જ પોઝ છે. એક, વર્ક ફ્રોમ હોમ કરતા હો (અથવા એવો દેખાવ કરતા હો) ત્યારે ખુરશી-ટેબલ પોઝ. અને બે, સૂતાં પહેલાં વેબ-સિરિઝ જોતા હો ત્યારનો ‘ઓશિકાં-ટેકા’ પોઝ.
***
મોબાઈલ-મુખ-ખોસનાસન
ઊભા હો, બેઠા હો, ચાલતા હો કે સૂતા હો ત્યારે સતત ગરદન ઝુકાવી મોબાઈલના ટચુકડા સ્ક્રીનમાં મોં ખોંસી રાખવાના પોઝનું આ લાંબુ છતાં સમજાય તેવું નામ છે ! આનાથી ગરદનના સ્નાયુ મજબૂત થાય છે.
***
ચેટાસન / ગેમાસન
આમાં બન્ને હાથ વડે મોબાઈલ પકડીને બન્ને હાથના અંગૂઠાને કસરત મળે તેવી મૂવમેન્ટો કરવાની હોય છે. (1) વોટ્સએપ કે ફેસબુકમાં ચેટ કરવી (2) મોબાઈલમાં કોઈપણ ગેઈમ રમવી. સરવાળે અંગૂઠો મજબૂત બને છે.
***
ભક્તાસન
ગેરસમજ ના કરો ! આ તો રામાયણ મહાભારત જેવી સિરિયલો જોતી વખતે જે શ્રધ્ધાભર્યો પોઝ હોય છે તે આસનની વાત છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment