છેલ્લા પંદર-વીસ વરસમાં ના બની હોય એવી ઘટનાઓ આ કોરોના વાયરસને લીધે થયેલા લોકડાઉનના સમયમાં બની રહી છે ! જુઓ... કેવું કેવું બન્યું છે ?
***
પહેલી વાર એવું બન્યું છે કે વિમાનોમાં ઉડનારા ઘરે બેઠા છે અને પગે ચાલનારા પોતાના ગામડે પહોંચી ગયા છે !
***
પહેલી વાર એવું બન્યું છે કે એરપોર્ટના વિસ્તારમાં વાંદરા ઘૂસી ગયા છે કે ભેંસો ફરે છે એની કોઈને પડી નથી !
***
પહેલી વાર એવું બન્યું છે કે મંદિરોને તાળાં લાગી ગયાં છે અને કેદીઓને છોડી મુક્યા છે !
***
પહેલી વાર એવું બન્યું છે કે ફિલ્મના કલાકારો ઘરમાં બેસી રહ્યા છે અને પોલીસવાળા બહાર નીકળીને ડીજે ડાન્સ કરાવી રહ્યા છે !
***
પહેલી વાર એવું બન્યું છે કે સ્કુલો બંધ છે છતાં પત્નીઓ પિયર નથી ગઈ !
***
એન્ડ યસ, પહેલી વાર એવું બન્યું છે કે સળંગ 16 દિવસ સુધી બહેનોએ ભૈયાજીની પાણીપુરી ખાધી નથી !
***
પહેલી વાર એવું બન્યું છે કે પત્ની કરતાં, પ્રેમિકા કરતાં અને દોસ્ત કરતાં પોતાનો મોબાઈલ વધારે વહાલો લાગે છે !
***
પહેલી વાર એવું બન્યું છે કે ટ્રાફિક પોલીસ પાસે ‘ટ્રાફિક’ને લગતું કોઈ કામ જ નથી !
***
અરે, ‘ક્રાઈમ’ બ્રાન્ચને પણ એક જ ક્રાઈમ દેખાય છે : “રોડ ઉપર કોણ રખડે છે ?”
***
અને હા, પહેલી વાર એવું બન્યું છે કે જુનવાણી ઘુમટા, બુરખા અને બુકાની પાછળ લોકોને ‘વૈજ્ઞાનિક’ કારણો દેખાઈ રહ્યાં છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment