લો બોલો, અમિતાભ બચ્ચને પોતાની નવી ફિલ્મ ‘ગુલાબો સિતાબો’નું શોર્ટ-ફોર્મ બનાવી નાંખ્યું… GIBOSIBO !!!
- એમ તો ‘LOL’ એટલે ‘લાફિંગ આઉટ લાઉડ’ અને ‘GOAT’ એટલે ‘ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ્સ’ એવું હજી અમુક કાકા-કાકીઓને ખબર નથી !
- અમુક યંગસ્ટરો કોઈના મૃત્યુના મેસેજ ઉપર ‘RIP’ ‘RIP’ લખ્યા કરે છે પણ એમને ય ક્યાં ખબર છે કે RIP એટલે ‘રેસ્ટ ઈન પીસ’…
- છતાં આપણે ‘JSK’ એટલે ‘જય શ્રી કૃષ્ણ’ અને ‘JSR’ એટલે ‘જય શ્રી રામ’ લખતા થઈ જ ગયા છીએ ને…
એ હિસાબે અમને લાગે છે કે મોબાઈલની આ ભાષામાં જતે દહાડે નવાં શોર્ટ ફોર્મ્સ લાવવાં જ પડશે. જેમ કે…
***
‘ભારત માતા કી જય’ આખું લખવાને બદલે ‘BMKJ’ લખવાનું શરૂ કરો.
***
એમ તો વિરોધપક્ષોને પણ બધી વાતમાં ‘મોદી-શાહ કી સાઝિશ’ અને ‘બીજેપી કા ષડયંત્ર’ દેખાય છે ! એમણે પણ લાંબા લાંબા બખાણા કાઢવાને બદલે શોર્ટમાં જ પતાવવું જોઈએ… ‘MSKS’ અને ‘BJPKS’ ! શું કહો છો !
***
ગુજરાતી ન્યુઝ ચનેલો દર પંદર દહાડે બ્રેકિંગ ન્યુઝ બહાર પાડે છે. “સરકારી તંત્ર ઊંઘતું ઝડપાયું ”… એના કરતાં શોર્ટમાં જ પતાવોને… ‘STUZ’ !
પેલી કર્કશ અવાજે શબ્દોના કોગળા કરતી એન્કરોએ જરી અમથા વરસાદનું દૃશ્ય બતાડીને માત્ર આટલું જ બોલ્યા કરવાનું “જુઓ, એસટીયુઝેડ ! જુઓ, એસટીયુઝેડ !!”
***
દરેક પત્ની તેના પતિને સાંજના સમયે મેસેજ કરીને પૂછે છે “આજે શું બનાવું ?”
હવે એનું શોર્ટ-ફોર્મ જ વાપરો “ASB?”
પછી ભલે પતિ રોજનો ફિક્સ જવાબ આપે… “TBHT”… યાને કે “તને ભાવતું હોય તે !”
***
દર અઠવાડિયે કોઈને કોઈ નવી ફિલ્મ રિલિઝ થાય ત્યારે તેના ફિલ્મ સ્ટારો હંમેશા એક ચાંપલી અને સ્ટાન્ડર્ડ ટ્વીટ કરે છે : “હમારી ફિલ્મ હટકે હૈ !”
હવે, શોર્ટમાં પતાવોને… ‘HFHH’ !
***
- અને દરેક હાસ્ય-લેખના જવાબમાં વાચકો લખી શકે ‘MP’ અથવા ‘MNP’…
- મતલબ કે ‘મઝા પડી’ અથવા ‘મઝા ના પડી’ ! બોલો, ‘MP’ ને?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment