ભૂમિકાઓ નાની, કલાકારો ઊંચા દર્જાના ...



ગયા શુક્રવારે એક ફિલ્મ રિલિઝ થઈ ‘કામિયાબ’. સંજય મિશ્રાએ એમાં એક એવા ફિલ્મી કલાકારનો રોલ કર્યો છે જેને જિંદગીભર સતત મામૂલી રોલ જ મળતા રહ્યા ! ફિલ્મમાં એનું નામ છે ‘સુધીર’. બહુ પરફેક્ટ રીતે વિચારીને રાખેલું નામ છે...

સુધીર નામનો એક કલાકાર હીરો બનવા માટે મુંબઈ આવ્યો હતો. ફિલ્મ ‘હકીકત’માં તો એની ઉપર ચેતન આનંદે એક આખું ગીત પિક્ચરાઈઝ કર્યું હતું. “મૈં યે સોચકર ઉસ કે દર સે ઉઠા થા...” (યુ-ટ્યુબ ઉપર છે. જોઈ લેજો) આ સાથે જ કેટલાય એવા હિન્દી ફિલ્મના મંજાયેલા કલાકારોની યાદ આવી ગઈ, જેમણે સતત નાના નાના રોલ ભજવ્યા, છતાં પોતે હતા ઊંચા દર્જાના અભિનેતાઓ...

પહેલું નામ ઈફ્તેખારનું લેવું પડે. એમના ભાગે હંમેશા પોલીસ ઇન્સપેક્ટર કે પોલીસ કમિશ્નરના જ રોલ આવે ! કડક ચહેરો, પાતળું ટટ્ટાર શરીર, સ્પષ્ટ ઉચ્ચારો અને જાનદાર અભિનય.

સાથે સાથે પી. જયરાજ નામના એક ગોળમટોળ કલાકાર પણ યાદ આવે. જે હંમેશા માત્ર પોલીસ ઇન્સપેક્ટર જ હોય ! આવા તો કંઈ કેટલાય કલાકારો હતા જે ગુમનામીમાં ખોવાઈ ગયા. બીજી બાજુ ‘શોલે’ના સાંબા અને કાલિયા, આ બે ‘પાત્રો’ સૌને યાદ હશે પણ એમના નામ બહુ ઓછાને ખબર હશે. સાંબા એટલે મેકમોહન અને કાલિયા બનેલો તે વિજુ ખોટે !

એ જમાનામાં એક કલાકાર એક રોલમાં સારો અભિનય કરી જાય તો તેને બહુ ક્રુર સજા મળતી. બિચારાને સતત એવા જ રોલ મળ્યા કરે ! શાહુ મોડક ભગવાન જ બને, જીવન આટલા અચ્છા કલાકાર હોવા છતાં કાં તો નારદ બને કાં તો વિલન ! બાપના રોલમાં અમુક ફિક્સ ચહેરા હતા. રોતલ બાપ જોઈએ તો મનમોહન ક્રિષ્નાને લઈ લો.  કડક બાપ જોઈએ તો નાસિર હુસૈનને લો. ઈમોશનલ અને કોમિક ટચવાળા બાપ જોઈતા હોય તો ઓમપ્રકાશ, ડેવિડ કે સત્યેન કપ્પુને હાજર કરી દો.

મહિલાઓમાં પણ એવું. કુમુદ છૂગાની, નાઝિમા, તબસ્સુમ અને ફરીદા જલાલને ભાગે હંમેશા નાની બહેનના રોલ જ આવે. સાસુજી જોઈતાં હોય તો લીલા મિશ્રા, લલિતા પવાર કે લીલા ચિટનીસ ! એક દુલારી નામના અભિનેત્રીનો ચહેરો એટલો દયામણો હતો કે એમને વિધવાના જ રોલ મળે ! જો એ વિધવા ના હોય તો થઈ જાય ! અને જો વિધવા ના થાય તો છેવટે બિચારી આંધળી તો થાય જ !

મમ્મીઓ એ જમાનામાં ‘માં’ કહેવાતી. એમાં નીરુપા રોય બેસ્ટ ગણાતાં. સુષમા શ્રેષ્ઠ હંમેશાં મોડર્ન માં હોય અને કામિની કૌશલ ભલીભોળી માં હોય ! શશીકલા અને નાદીરાના ભાગે કદી ગરીબી આવી જ નહીં ! કુક્કુ, જયશ્રી ટી, હેલન, ફરિયાલ, બિન્દુ આવી ડાન્સરોને ભાગે ઉત્તેજક ડાન્સ ઉપરાંત માંડ બે ‘અભિનય’નાં દૃશ્યો મળતાં. હા, અરુણા ઈરાની એવાં નીકળ્યાં કે નાની બહેનમાંથી ડાન્સર અને એ પછી ગુજરાતી ફિલ્મોમાં તેજતર્રાર મિજાજવાળી હિરોઈન પણ બન્યાં.

નોંધપાત્ર કલાકારો એટલા બધા છે કે લેખની જગ્યા ઓછી પડે. કે. એન. સિંઘના ડોળા જ જોયા કરવાના હોય. શેટ્ટી એટલે ટાલવાળો કાળું જાકિટ પહેરેલો ગુન્ડો જ હોય, સપ્રુની માંજરી આંખો જજ તરીકે પણ ચાલે અને વિલનના બાપ તરીકે પણ ચાલે. પ્રેમનાથ સતત ‘બાસ્ટર્ડ બાસ્ટર્ડ’ બોલ્યા કરતા. અજીત વિલન હોવા છતાં કદી ઊંચા અવાજે ઘાંટા ના પાડે. બ્રહ્મ ભારદ્વાજ એટલે સફેદ વાળ, કાળોકોટ અને હાથમાં જાડી સિગાર...

બિચારા સજ્જન નામધારી કલાકારને હંમેશા દુર્જન જ બતાડે, રાજ મહેરાની એક આંખ બોલતાં બોલતાં સ્હેજ કાણી થઈ જતી, લોલૂપ અને કામી કરિયાણાવાળા તરીકે સીએસ દૂબે જ હોય, પિન્ચુ કપૂર અને ગોગા કપૂર વિલન તો હોય પણ એમના રોલ કદી લાંબા ના હોય, મોટી ફાંદવાળા યુનુસ પરવેઝ વારંવાર મુસલમાન જ બને, રમેશ દેવ સરળ સાદા મોટાભાઈ હોય અને કનૈયાલાલને કપટબાજ અને વ્યાજખાઉ વાણિયો જ બનાવવામાં આવે !

આ ઉપરાંત ધૂમલ, ભૂષણ તિવારી, રાજ કીશોર, ટકલુ કમલદીપ અને સાદા વૃધ્ધ દેખાતા કેકે ઉર્ફ કૃષ્ણકાંત પણ ખરા. (જેમણે ઘણી ગુજરાતી ફિલ્મો ડીરેક્ટ કરી.)

જોકે આ લેખ બે અનામી કલાકારો વિના અધૂરો જ ગણાય. એક, પેલો બટકો સરખો ડાન્સર જે અનેકવાર હેલનની બાજુમાં જ નાચતો હોય અને પેલો બીજો પ્રૌઢ વયનો ફોરેનર, જે દરેક પિયાનો સોંગ વખતે પાર્ટીમાં દારૂનો પેગ લઈને જ ઊભો હોય !

***
- મન્નુ શેખચલ્લી

Comments

  1. Good Notice Mannubhai 👍👍

    ReplyDelete
  2. Thank you so much for your comments, Manoj Bhai ! Due to my lack of technical understanding the comments were not seen to me.
    Thanks again sir !

    ReplyDelete

Post a Comment