મહિલાઓ કેમ કરીને મહિલા-ક્રિકેટ જુએ ?


આજે મહિલા T20 વર્લ્ડ-કપની ફાઈનલ મેચ છે. ભારતીય મહિલા ટીમ ઓસ્ટ્રેલિયન મહિલા ટીમ સામે પહેલી વાર T20 ફાઈનલ રમશે.

સવાલ એ છે કે ભારતની કેટલી મહિલાઓને મહિલા ક્રિકેટ-મેચો જોવામાં રસ હોય છે ? ઠીક છે, આજે કદાચ જોશે, પણ પછી ભવિષ્યમાં ?

અમે કહીએ છીએ કે બહેનોને જો મહિલા ક્રિકેટ જોતી કરવી હોય તો એમાં થોડા ‘સિરિયલ ટચ’ ઉમેરો…

***

દેખિયે આગે ક્યા હોગા ?

જે રીતે સિરિયલોની સ્ટોરી અચાનક લટકતી રાખીને જાહેરખબરો ઘૂસાડી દે છે એ જ રીતે જેવી થર્ડ અંપાયરને અપીલ થાય કે તરત બ્રેક પાડી દો..

પછી દસ-દસ મિનિટ લગી ચર્ચાઓ કરાવો… ક્યા હરમનપ્રીત રન-આઉટ થી ? યા ફિર વો કોઈ ઓસ્ટ્રેલિયન મહિલા કી ચાલ થી ?

***

છેલ્લી ઓવર લંબાવ્યે રાખો

જે રીતે સિરિયલોમાં સ્ટોરી કદી ખતમ જ નથી થતી, એપિસોડો ખેંચાતા જ રહે છે એ જ રીતે T20 મેચની છેલ્લી ઓવરને તો 30 મિનિટ સુધી ખેંચો !

ભલે ને અસલમાં ત્યાં મેચ પતી ગઈ હોય ? ટીવીમાં તો સસ્પેન્સ ખોલવાનો જ નહીં… “ભારત કો ચાહિયે 6 બોલ પે 9 રન… ક્યા વો કર પાયેંગે ? પુરે દેશ કે મહિલાઓં કી આશાએં ઈસી ઓવર પે ટિકી હૈં… કોઈ પ્રાર્થના કર રહા હૈ, કિસીને વ્રત રખ લિયા હૈ… શેફાલી વર્મા કી માં કી ધડકનેં બઢ રહી હૈં…”

***

કૌન ચાલ ચલ રહા હૈ ?

હજી એક કામ કરો… મેચ પહેલાં દરેક ટીમની ત્રણ પ્લેયરોને સામેની ટીમની છાવણીમાં ‘ગુપ્ત રીતે’ જવાની છૂટ આપો…

પછી જુઓ મઝા ! કોઈના ભોજનમાં ઘેનની દવા ભેળવી દેવામાં આવશે… કોઈના એનર્જી ડ્રીંકમાં ઝાડા થવાની દવા નંખાશે… કોઈની કીટ-બેગમાંથી વીંછી નીકળશે…

***

હર જગહ પે રિશ્તેદાર

અરે, કમ સે કમ આટલું તો કરો ?.... કે અંપાયર, થર્ડ અંપાયર, કોમેન્ટેટર, કોચ, સિલેક્ટર… દરેક ઠેકાણે ખેલાડીઓની ભાભીઓ, નણંદો, જેઠાણીઓ, દેરાણીઓ અને સાસુઓને ગોઠવી દો…. પછી જુઓ, મહિલાઓ મેચો જુએ છે કે નહીં ?

***

- મન્નુ શેખચલ્લી

Comments