સિસ્ટમ એક...
ધનવાન શેઠ મોંઘી કાર લઈને જિમ જાય છે. ત્યાં અંદર જઈને તે એક્સરસાઈઝ કરવા માટે 'સાઈકલ' ચલાવે છે…
બીજી બાજુ, ઠોચરા જેવી જુની સાઈકલ ઉપર જઈ રહેલો કોઈ મામૂલી માણસ કાર ચલાવવાનાં સપનાં જુએ છે !
… સિસ્ટમમાં લોચા છે, યાર !
***
સિસ્ટમ બે...
શાંત બંગલાના શાંત બેડરૂમમાં સાયલેન્ટ એસીની ધીમી ધરધરાટીમાં એક ભાઈ રોજ શાંતિથી ઊંઘે છે છતાં તે ‘શાંતિ’ મેળવવા માટે કોઈ આશ્રમમાં જાય છે…
બીજી બાજુ, સતત ઘોંઘાટ, ટ્રાફિક અને લોકોની ભીડમાં જીવનારો માણસ રાત્રે ચાલીમાં ખાટલો નાંખીને બિચારો ઊંઘી શકતો નથી.... કારણ કે શહેરમાં તોફાનોને કારણે કરફ્યુ પડ્યો છે અને ચારે બાજુ ‘શાંતિ’ છે !
… સિસ્ટમમાં લોચા છે, યાર !
***
સિસ્ટમ ત્રણ...
ફેસબુકમાં 700 ફ્રેન્ડ્ઝ, ટ્વીટરમાં 70 ફોલોઅર્સ અને ઇન્સ્ટાગ્રામમાં 7 ફોલોઇંગ હોવા છતાં કેન્ટિનમાં બહેનપણીઓ સાથે બેઠેલી છોકરી મોબાઈલમાં સ્ટેટસ મારે છે : "ફીલિંગ લોન્લી…"
બીજી બાજુ, માંડ માંડ ગ્રેજ્યુએટ થયેલો લવરમૂછિયો છોકરો ચોથા વર્ગના કર્મચારીઓની નોકરીઓ માટેના ‘ભરતીમેળા’માં ભેગી થયેલી હજારોની ભીડ જોઈને મનમાં વિચારે છે “હાશ… કમ સે કમ હું એકલો તો નથી ને?”
… સિસ્ટમમાં લોચા છે, યાર !
***
સિસ્ટમ ચાર...
પીજી એપાર્ટમેન્ટમાં રહેતી યુવતી ઓનલાઈન ઓર્ડર કરીને 10 ઇંચનો પિત્ઝા મંગાવે છે. પછી પોતાનું વજન વધી ના જાય એવા ડરથી માત્ર એક પિસ ખાધા પછી પિત્ઝા ફ્રીઝમાં મુકી દે છે…
એ જ એપાર્ટમેન્ટમાં કચરા-પોતાં કરતી કામવાળી આ જોઈને વિચારે છે કે ત્રણ દિવસ પછી મારી બેબીના જન્મદિવસ વખતે જો આ ‘વાસી પિત્ઝા’ મળી જાય તો કેવી મજા પડશે !
… સિસ્ટમમાં લોચા છે, યાર !
***
સિસ્ટમ પાંચ...
કોરોના વાયરસના ચેપથી ભારતમાં હજી એક પણ મોત થયું નથી, માંડ બે ડઝન વ્યક્તિઓ શંકાસ્પદ છે, છતાં ભારતના લાખો લોકો કોરોનાથી ડરી રહ્યા છે…
બીજી બાજુ, CAAમાં પણ સાલું એવું જ છે !
… સિસ્ટમમાં… શું કહો છો…?!
***
- મન્નુ શેખચલ્લી
Supern humor 👍
ReplyDelete