આજથી દસમા-બારમા ધોરણની બોર્ડ એક્ઝામો ચાલુ થાય છે. બિચારાં બાળકોને તો આવું બધું વાંચવાનો ટાઈમ જ ના હોય એટલે બાળકોના મમ્મી-પપ્પાઓ ખાસ ધ્યાન આપે…
***
પ્રશ્નો પૂછો…
એકઝામના પેપરમાં જે પૂછાવાનું હોય તે, તમારે તમારા બાબા/બેબીને એક્ઝામ આપવા જાય એ પહેલાં આટલાં સવાલો તો પૂછવાના જ છે…
(1) એકસ્ટ્રા બોલપેન લીધી ? (2) દાદા/દાદીના આશીર્વાદ લીધા ? (3) ભગવાનનું નામ લીધું ? (4) હોલ-ટિકિટ લીધી ? (5) રિવિઝન કરી લીધું ? (6) ફ્રેશ છુ ને ? (7) નર્વસ નથી ને ? અને… (8) કેમ કંઈ બોલતો/બોલતી નથી ?
***
ટેન્શન છૂપાવો…
એક્ઝામના સેન્ટરે બાળકને પહોંચાડ્યા પછી તેને ‘હસતે મોઢે’ વિદાય કરો ! મનમાં ભલે ચાલતું હોય કે “બિચારાને / બિચારીને પરમ દિવસે શરદી-ખાંસી થઈ ગઈ હતી… આજકાલ કોરોના વાયરસનું ચાલ્યું છે… છેલ્લા ટ્યૂશન ટેસ્ટમાં સારા માર્ક્સ નહોતા આવ્યા, ક્યાંક ફેલ ના થાય તો સારું… આજકાલ તો છોકરાંઓ આપઘાત કરી નાંખે છે…”
છતાં આવા ખતરનાક વિચારોને દિલના ખૂણે દબાવીને જાણે પેલા ‘અભિનંદન’ની મમ્મી તેને યુદ્ધ મોરચે જવા માટે વિદાય આપતી હોય તે રીતે ‘બેસ્ટ ઓફ લક’ કહેતાં કહેતાં હાથ હલાવ્યે રાખો…
***
ઇમેજ ટકાવો
એક્ઝામ પતવાના પોણા કલાક પહેલા સેન્ટરની બહાર ઊભાં ઊભાં વાતો કરી રહેલા પેરેન્ટો આગળ તમારા સુપુત્ર / સુપુત્રીની ઈમેજ ટકાવી રાખો… જો કોઈની મમ્મી એવું કહેતી હોય કે “મારો સન તો મેડિકલમાં જ જવાનો છે”…
તો તરત એને તમારું ફ્યુચર-પ્લાનિંગ કહો : “મારી બેબી તો બારમું પાસ કરીને ડાયરેક્ટ ફોરેનમાં જ ભણવા જવાની છે…!”
***
અને છેલ્લે
જ્યારે બાબો/બેબી એક્ઝામ હોલમાંથી બહાર આવે ત્યારે પેપર કેવું ગયું ? વગેરે પૂછીને બીજા પેરન્ટોને હસતાં હસતાં કહો “આપણા વખતે તો આવાં કોઈ ટેન્શનો જ નહોતાં, નહિ !”
***
- મન્નુ શેખચલ્લી
Right boss 😂😂
ReplyDelete