દુઃખડાં હરો મા કોરોનાવાળી !



(મા કોરોનાની વ્રતકથા... યાને કે આવનારી ગુજરાતી ફિલ્મની વારતા )

એક થાળી કલાકાર હતો. એ સરસ થાળી વગાડતો હતો. લગ્ન પ્રસંગે, હોળી ધૂળેટી વખતે, ધાર્મિક ઉજવણીમાં જ્યારે જ્યારે એ થાળી વગાડતો ત્યારે લોકો થનગનીને નાચવા લાગતા, બહેનો ગરબા રમવા લાગતી, ભાયડા રાસડા લેવા લાગતા અને જેના પગમાં પોલિયો થયો હોય એવા પણ ઊભા થઈને ડોલવા લાગતા.

પણ સમય જતાં એને બેકારી આવી ગઈ. બિચારા થાળી કલાકારને ગામડામાં ખાસ કમાણી થતી બંધ થઈ ગઈ.

આથી તે રૂપિયા કમાવાની આશાએ શહેરમાં જવા નીકળ્યો. એક દિવસે તે જ્યારે સાંજે પાંચ વાગે શહેરમાં પહોંચ્યો ત્યારે તેણે જોયું કે “ઓહોહો... અહીં તો હજારોની સંખ્યામાં થાળી કલાકારો છે ! સૌ પોતપોતાના ઘરે ઊભા ઊભા થાળી વગાડી રહ્યા છે. આમાં મને ક્યાંથી રોજગારી મળશે ?”

છતાં તે પોતાની કલા દર્શાવવા માટે ખુબ જોરદાર રીતે થાળી વગાડવા લાગ્યો. તેની થાળી સાંભળીને મહિલાઓને એવી મઝા પડી ગઈ કે તે બધી બહાર નીકળીને ગરબા ગાવા માંડી ! બધા મોબાઈલમાં વિડીયો ઉતારવા લાગ્યા.

ત્યાં તો અચાનક પોલીસવાળા આવી પહોંચ્યા. મહિલાઓ સાઈડમાં રહી ગઈ અને પોલીસે થાળી કલાકારને ડંડે ડંડે ઝૂડી નાંખ્યો. બિચારાને કંઈ સમજ પડી નહીં કે આટલો માર કેમ પડ્યો ? એના આખા શરીરે સોજા ચડી ગયા.

છેવટે તે દવા કરાવવા એક સરકારી હોસ્પિટલે ગયો. અહીં તેને ખબર પડી કે કરોના નામની કોઈ બલા છે જે શહેરમાં હાહાકાર મચાવી રહી છે. કોઈએ તેને કહ્યું કે તને આખા શરીરે જે ઢીમચાં થયાં છે તે પણ કરોનાને લીધે જ થયાં છે !

થાળી કલાકાર એમ સમજ્યો કે કરોના કોઈ ડાકણ હશે ! તે આખી રાત પડ્યો પડ્યો બે હાથ જોડીને વિનંતી કરતો રહ્યો કે, “ઓ મા... ત્રાસ કરો ના ! ઓ માડી કહેર કરો ના ! ઓ મૈયા; વિનાશ કરો ના ! હે માતા, હાહાકાર કરો ના !”

હકીકતમાં કોરોના નામની ચમત્કારી માતા આ બધું સાંભળી રહી હતી ! આખી દુનિયા તેને જે કરવાની ના પાડી રહી હતી તે જ કરવાનું આ થાળીવાળો કહી રહ્યો હતો : “ત્રાસ કરોના! વિનાશ કરોના ! હાહાકાર કરોના !”

કોરોના માતાએ પ્રસન્ન થઈને થાળીવાળાને વરદાન આપ્યું કે જો તું જગતની બહેનો,  માતાઓ અને પત્નીઓને મારું કરોના માતાનું વ્રત લેવડાવીશ, તો તને જીવતેજીવ સ્વર્ગ મળી જશે !

થાળીવાળાએ પૂછ્યુ “કોરોના માતાનું વ્રત મારે શી રીતે લેવડાવવું ? એ વ્રતની વિધી શું છે ?”

માતાએ કહ્યું “જે માતાના દિકરા રખડેલ થઈ ગયા છે, ઘરમાં જેનો પગ ટકતો નથી... જે બહેનના ભાઈઓ આવારા થઈ ગયા છે, ગલીઓમાં છોકરીઓની છેડતી કરતા ફરે છે... તથા જે પત્નીઓના પતિ આખો દહાડો બહારના બહાર જ દોડતા રહે છે એ સર્વે આ વ્રત લીધા પછી ઘરમાં બેસતા થઈ જશે !”

થાળીવાળાએ ઘેર ઘેર જઈને આ વ્રતનો પ્રચાર કર્યો. તેથી ચમત્કાર થયો ! દેશમાં ‘લોક-ડાઉન’ થઈ ગયું !

હવે દેશની માતાઓ, બહેનો તથા પત્નીઓ ખુશ છે.

જે રખડેલ દિકરા મોમાં પાન-મસાલા, ગુટકા અને માવાના ડૂચા ભરી રાખતા હતા તે  આજે ઘરનાં રોટલી-શાક ખાતા થઈ ગયા છે.

જે રોમિયો છાપ છોકરા ગલીઓમાં છોકરીઓને છેડતા હતા એ ઘરમાં બેસીને રામાયણ-મહાભારત જોતા થઈ ગયા છે....

અને જે પતિઓ પત્નીને ગાંઠતા નહોતા તે આજે ઘરમાં બેસીને શાક સમારતા થઈ ગયા છે !

બોલો, કોરોના માત કી જય !

***

- મન્નુ શેખચલ્લી

Comments