...પછી એનું શું થયું ?


ના ના, નેતાઓના વાયદાની વાત નથી.. આ તો અમુક વૈજ્ઞાનિક સંશોધનો અને બીજા પ્રકારની ‘જોરદાર’ શોધોની વાત છે !

***

વૈજ્ઞાનિકો કહેતા હતા કે હવે એવાં વસ્ત્રો આવશે કે જેને ઈસ્ત્રી કરવાની જરૂર જ નહિં પડે !

... પછી એનું શું થયું ?

***

વીસેક વરસ પહેલાં ‘વૈજ્ઞાનિક શોધ’ના સમાચાર હતા કે એવા રબરના ટાયરની શોધ થઈ ગઈ છે કે એમાં પંચર પણ નહીં પડે અને તે ઘસાશે પણ નહિ !

... પછી એનું શું થયું ?

***

અલ્યા, ચંદ્રની સપાટી ઉપરથી આપણે પાણી શોધી કાઢ્યું હતું !

... પછી એનું શું થયું ? બાષ્પીભવન ?

***

અને રામેશ્વરમ્ પાસે દરિયાના પેટાળમાં અધધ.. કહી શકાય એટલો યુરેનિયમનો જથ્થો મળી આવ્યો  હતો !

... પછી એનું શું થયું ? ઓગળી ગયો ?

***

દરિયાના પેટાળનું છોડો, ભૈશાબ, પેલા પદ્ મનાભ મંદિરના ભોંયરામાંથી જે ખજાનો મળી આવેલો એનાથી તો દેશનો પાંચ વરસનો ખરચો નીકળી જવાનો હતો !

... પછી એનું શું થયું ? ખજાનો જ ખર્ચાઈ ગયો કે શું ?

***

જો કે હાલમાં યુપીની જમીનમાં જે 660 ટન સોનું હોવાની ‘શોધ’ થઈ છે, એના વિશે, હમણાં નહીં, પાંચ વરસ પૂછી પૂછજો કે...

... પછી એનું શું થયું ?

***

એ બધું છોડો યાર, ચાર-પાંચ વરસ પહેલાં મોબાઈલમાં વિડીયો આવતા હતા. એમાં ફોલ્ડિંગ થઈને સાવ નાની જગામાં પાર્ક થઈ જાય એવી કાર બતાડતા હતા !

... પછી એનું શું થયું ? હજી પાર્કિંગ ના મળ્યું ?

***

મોટી મોટી શોધો છોડો, પેલી છત્રીનો વિડીયો આવતો હતો... એમાં એવું હતું કે કારમાં બેસતાં પહેલાં છત્રી ઊંધી ફોલ્ડ થઈ જતી હતી અને ડંડામાંથી પાણી નીચે દદડી જતું હતું !

... યાર, એ પણ ના આવી ?

***

- મન્નુ શેખચલ્લી

Comments