બકાની લોક-ડાઉન ટાઇમલાઇન !



સવારે 8.30

મમ્મીએ ચાદર ખેંચીને ઘાંટો પાડ્યો, ઊઠ ! હું ચાદર ખેંચીને પાછો ઊંઘી ગયો. સાલું, ઊઠીને કરવાનું શું ? એક બી ફ્રેન્ડ લોકો હજી ઓન-લાઈન નહીં આયા હોય.

સવારે 9.45

પડ્યા રહેવાનો કંટાળો આયો, એટલેઊઠ્યો. વોટ્સ-એપ, ઇન્સ્ટા, ફેસબુક... બધુ ચેક કર્યું. સાલા ઊંઘણશીઓ, હજી ઊઠ્યા નથી.

સવારે 10.45

નાહ્યો... (હજી ‘પોટી’ બાકી)

સવારે 11.05

મમ્મી પૂછે છે, નાસ્તો કરીશ કે ડાયરેક્ટ જમી લઈશ ? મેં કહ્યું, પહેલાં મોબાઈલ ચેક કરુ, પછી વાત. (મોબાઈલ વગર ‘પોટી’ નથી આવતી.)

સવારે 11.10

હેં ? મોબાઈલ કેમ ચાલતો નથી ? હેંગ થઈ ગયો કે શું ? નક્કી ડેડીએ સળી કરી લાગે. બાથરૂમમાં જઈએ ત્યારે મોબાઈલ બહાર રખાય જ નહીં. બાપાએ બધું જોઈ લીધું કે શું ? મારી નાંખ્યા..

સવારે 11.20

હેંગ નહોતો થયો. બેટરી પતી ગયેલી. ચાર્જિંગમાં મુક્યો છે. પણ સરખો ચાર્જ નથી થતો. દર બે મિનિટે ભઈબંધોના ફોનો આવે છે. ઉપાડીને ‘હલો’ કરું ત્યાં તો બેટરી ઉતરી જાય છે... અરેરે, શું થશે આ દેશનું ?

સવારે 11.25

ખાલી પાંચ મિનિટ માટે દેશનો વિચાર કર્યો એમાં બોર થઈ ગયો. મોબાઈલને ચાર્જરમાં જ ભરાઈને ઊભો ઊભો કોલ અને ચેટ કરતો હતો.. ત્યાં સાલી ફરી બેટરી ઉતરી ગઈ... અરેરે, આજે ‘પોટી’નું શું થશે ?

બપોરે 12.00

જમ્યો… પણ જમતાં જમતાં ડેડીએ કોરોનાની બાબતમાં જે દિમાગ ખાધું એમાં દિમાગની બેટરી ગરમ થઈ ગઈ...

બપોરે 1.30

‘ચિલ-ડાઉન’ કરવા બાઈક લઈને બહાર ગયો. બે પોલીસવાળા મળી ગયા. દલીલ કરી તો ડંડા પડ્યા. ઇંગલિશમાં આરગ્યુમેન્ટ કરવા ગયો એમાં ડબલ ડંડા ખાધા. પાછો આઈ ગયો. હજી ચચરે છે.

બપોરે 2.00

પપ્પા કહે છે, બકા, શાંતિથી બેસ... પણ ‘બેસવું’ શી રીતે ? અને ‘શાંતિ’ થી ? ઈમ્પોસિબલ છે યાર...

***

- મન્નુ શેખચલ્લી

Comments