૨૧ દિવસમાં પતિઓનું શું થશે ?



હવે તો આખા દેશમાં 21 દિવસનું ‘લોક-ડાઉન’ જાહેર થઈ ગયું ! જરા વિચારો, આ 21 દિવસ પછી અમુક પતિદેવોની હાલત કેવી હશે ?

***

પતિદેવો શાક સમારતાં શીખી ગયા હશે !

***

વાસણ ઘસવા માટે કયો પાવડર વપરાય છે અને પોતું કરવા માટે કયું ફિનાઈલ કેટલું નાંખવાનું તે આવડી ગયું હશે !

***

રોજ પ્રેશરકુકરમાં કેટલી સીટી વાગ્યા પછી ગેસ બંધ કરવાનો છે તે હવે શીખવવાની જરૂર રહેશે નહીં.

***

એ તો ઠીક, ‘વર્ક ફ્રોમ હોમ’ના બહાને બેટમજી લેપટોપની સામે બેસીને ઝોકું ખાતાં પણ ઝડપાઈ જશે !

***

પરંતુ, ચેતતા રહેજો, 21 દિવસ દરમ્યાન લગભગ તમામ પાડોશણોને ‘નામ’થી ઓળખતા થઈ ગયા હશે !

***

21 દિવસ સુધી હેર-કટિંગ સલુનો બંધ હશે. તેના લીધે તમે જોજો, ડાઈ કરનારા પુરુષોના માથામાં પાંથી પાસે સફેદ કલરનું પીછું ખોસ્યું હોય એવું જોવા મળશે !

***

દરેક ગુજરાતી ન્યુઝ ચેનલના દરેક ન્યુઝ-એન્કરોનાં નામ એમને મોઢે થઈ ગયાં હશે !

***

લેપ-ટોપમાં પેલી ગાળાગાળીથી ભરપૂર વેબસિરિઝો પણ પતી જશે... પછી પતિઓ ટીવીમાં ‘રિપીટ થતા’ એપિસોડ પણ રસથી જોવા માંડશે !

***

છેવટે સોની-મેક્સ ઉપર 1001મી વાર આવી રહેલી ‘સૂર્યવંશમ્’ પણ જોઈ લેશે !

***

અને 21 દિવસ પછી જ્યારે લોક-ડાઉન છૂટશે ત્યારે એવા ઘેલા થઈ જશે કે ઓફિસમાં જઈને સળંગ ત્રણ રાત સુધી ‘ઓવરટાઈમ’ કરી નાંખશે !

***

- મન્નુ શેખચલ્લી

 

Comments