બૈઠે બૈઠે ક્યા કરેં ?


સરકારે લોક-ડાઉન જાહેર કર્યું પછી લોકો ઘરમાં બેઠા બેઠા બોર થઈ રહ્યા છે. હજી તો આ શરૂઆત છે, આગળ જતાં ઘરમાં ને ઘરમાં બેસીને આપણે શું કરીશું ? થોડાં સુચનો...

***

બૈઠે બૈઠે ક્યા કરેં ? કરના હૈ કુછ કામ, શુરુ કરેં અંતાક્ષરી લે કર હરિ કા નામ...

એમ કહીને અંતાક્ષરી રમવાનું શરૂ કરો. (આ તો વિડીયો-કોલ કરીને પણ રમી શકાય.)

***

હેલ્થ જાળવવા ઘરમાં ને ઘરમાં જોગિંગ કરો. ડ્રોઈંગરૂમથી કિચન, કિચનથી બેડરૂમ, બેડરૂમથી બાલ્કની અને બાલ્કનીથી ડ્રોઇંગરૂમ એમ રોજનાં 700 આંટા મારો.

***

મિથુન ચક્રવર્તીની ‘ગુન્ડા’ જેવી એકાદ મૂવી યુ-ટ્યૂબ ઉપર જોતાં જોતાં એમાં કેટલી ભૂલો છે તે શોધો... સાંજ પડી જશે.

***

વારંવાર આચર-કુચર ખાવાને લીધે પેટ તો જરૂર બગડશે. પરંતુ ત્યાર બાદ, જે જે રીતે મોં ઉપર માસ્ક બાંધીને ફરો છો એ જ રીતે પાછળ પણ માસ્ક પહેરવાનું રાખો.

***

જિમ ના જઈ શકતા હોય તેવા વધુ હેલ્થ કોન્શિયસ લોકોએ જો પરસેવો પડી જાય તેવી કસરત કરવી હોય તો ટ્રેક-સૂટ પહેરી બહાર રોડ ઉપર જવું...

અને ડંડાધારી પોલીસ સામે જઈને કંઈ ચેનચાળા કરવા...

***

બેઠાડુ લોકોએ ટાઈમપાસ માટે ઉત્તરાયણ વખતનું દૂરબીન લઈને બારીમાં બેસી રહેવું.

પાડોશીની બારીમાં ‘નીરીક્ષણ’ કરતાં પહેલાં પાડોશીની પત્નીને ફોન કરીને, છોકરી જેવો અવાજ કાઢીને કહો “મારા મુકેશનું (કે જે નામ હોય તે) બરોબર ધ્યાન રાખજે હોં !”

બસ, એ પછી મિનિમમ 1 કલાકનો ટીવી એપિસોડ જોવા મળશે.

***

બપોરે જમ્યા પછી જો બહુ જ ઊંઘ આવતી હોય તો ન્યુઝ ચેનલો જોવી.

રાત્રે ઊંઘ ના આવતી હોય તો દુરદર્શનના ન્યુઝ જોવા.

અને છતાંય ચેન ના પડતું હોય તો રાતના બે વાગે ધાબે જઈને થાળી વગાડવી.
(એની ઉપર કોઈ પ્રતિબંધ નથી.)

***

- મન્નુ શેખચલ્લી

 

Comments