ક્વોરેન્ટાઇન થઇને શું શું કરવું ?


આજકાલ ક્વોરેન્ટાઈન થવાનો ટ્રેન્ડ ચાલ્યો છે. મોટા જાણીતા ફિલ્મ સ્ટાર્સથી માંડીને અજાણી ગાયિકા 14 દિવસ માટે ઘરમાં પુરાઈને કોરોના સામે લડત આપી રહી છે.

વિદેશથી ભારતમાં આવેલા લોકોને પણ સરકાર એમના ઘરમાં નજરકેદ કરી નાંખે છે. આવા સમયે શું કરવું ? શું ના કરવું ?

***

સૌથી પહેલાં તો તમારા કાંડા ઉપર પેલો સિક્કો મરાવી લો ! એનાથી રાતોરાત ઇન્સ્ટા અને ફેસબુકમાં ફેમસ થઈ જવાય છે.

***

બીજું, ઘરની બહાર, દરવાજે બેઠેલા પોલીસમેનને જોઈને એવું ગાયન નહીં ગાવાનું કે “તેરે દ્વાર ખડા એક જોગી, ના માંગે યે સોના ચાંદી, માંગે દરશન તેરે…”

***

એ પોલીસવાળા જોડે ‘ચોર-પોલીસ’ કે ‘સંતાકૂકડી’ જેવી ઈન-ડોર ગેઈમ્સ પણ રમવી નહીં.

***

ટ્વીટ કરીને અભિષેક બચ્ચનને જણાવો : “ડિયર જુનિયર બચ્ચન, અબ મૈં આપ કા દર્દ બહોત કરીબ સે સમજ સકતા હું…”

***

રોજ સાંજે પાંચ વાગે બાલ્કનીમાં જઈને જોર જોરથી થાળી વગાડો ! શક્ય છે કે વગાડવાનું બંધ કરવાના પૈસા મળવા માંડે…

***

‘વો સાત દિન’ ફિલ્મ રોજ બબ્બે વાર જુઓ. (કારણ કે ક્વોરેન્ટાઈનનો પિરિયડ 14 દિવસનો હોય છે.)

***

વારંવાર તમારું ચેકિંગ કરવા આવતા મેડિકલ સ્ટાફને પૂછો : “ક્યા આપ મેરે પીછે હાથ ધો કે પડે હૈં ?”

***

બીજું જે કરવું હોય તે કરજો પણ રોજ રોજ ફેસબુક ઉપર અગડમ બગડમ કવિતાઓ ના લખ્યા કરતા. નહિતર જ્યારે 14 દિવસ પૂરા થશે ત્યારે લોકો પોલીસને ફરિયાદ કરશે :

“સાહેબ, પેલો કવિ છુટ્ટો ફરે છે ! એનું કંઈક કરો…”

***

- મન્નુ શેખચલ્લી

Comments