મોદી સાહેબે એલાન કર્યું છે કે ૨૨મી માર્ચે એટલે કે કાલે, દેશભરનાં શહેરોમાં ‘જનતા કરફ્યુ’ પાળીએ…
એ તો બરાબર, પણ કરફ્યુમાં શું નું શું થશે ? જરા વિચાર કર્યો છે ?....
***
એક તો જાણે આ કરફ્યુ 14 કલાકને બદલે 14 દિવસ માટે રહેવાનો હોય એમ લોકો શાકભાજી, દવાઓ, પેટ્રોલ, પાણી વગેરે માટે શનિવારે લાઈનો લગાડી દેશે…
***
રવિવારે જે કંઈ થોડી ઘણી દુકાનો કે વાહનો ચાલતાં દેખાશે તેને બંધ કરાવવા માટે ‘સ્વયંસેવકો’ નીકળી પડશે : “ચલોઓઓ… બંધ કરોઓઓપ !”
***
સોસાયટીઓમાં અમુક ઉત્સાહીઓ ઘેર ઘેર ફરીને બધાને ઘરમાં ધકેલવા નીકળી પડશે… “ઘરમાં બેસો ! સાંભળ્યું નહીં ? ઘરમાં બેસો !”
એમને વળી કોઈ સામી ચોપડાવશે. “પહેલાં તમે પોતે ઘરમાં બેસો ને ?”
- આમાં ને આમાં ‘કરફ્યુ ભંગ’ થતાં તોફાનો ફાટી નીકળશે…
***
ઘરમાં નવરા બેઠેલા ઉત્સાહીઓ મોબાઈલમાં ‘બ્રેકિંગ ન્યુઝ’ ફેલાવશે : “પ્રહલાદનગરમાં ફેલાયેલો કોરોના હવે વસ્ત્રાપુર તળાવ સુધી પહોંચી ગયો છે ! સંભાળજો !”
***
ગરબા ગ્રુપ ચલાવતી મહિલાઓ સાંજે પાંચ વાગે જે તાળીઓ વગાડવાની છે તેનાં રિહર્સલો ત્રણ વાગ્યાથી શરૂ કરાવી દેશે…
***
યંગસ્ટરોને જોશ ચડી આવશે : “ચલો બોસ, કરફ્યુમાં કેવો સન્નાટો છે એનો વિડીયો ઉતારવા માટે બાઈકો લઈને નીકળી પડીએ…”
- આમાં ને આમાં ‘સ્વયંસેવકો’ અને ‘ઉશ્કેરણીજનક’ વિડીયો ઉતારનારા વચ્ચે ‘સેમી-હિંસક’ ‘અથડામણો’ થશે…
- જેનો વિડીયો ઉતારવા જતાં અથડામણો ‘વધુ હિંસક’ બની જશે…
***
‘અમે તો ઘરમાં જ ક્રિકેટ રમીએ છીએ…’થી માંડીને ‘મેં તો મારા ઘરમાં જ સ્વિમિંગ પુલ બનાવ્યો છે…’ એવા વિડીયો ફરતા થઈ જશે..
***
છેવટે જ્યારે રાત્રે નવ વાગે કરફ્યુ છૂટશે કે તરત લોકો પાણીપુરી, ભેળપુરી, પાંવભાજી, પિત્ઝા અને આઈસ્ક્રીમ ખાવા માટે બજારોમાં તૂટી પડશે…
મેરા ભારત મહાન !
***
- મન્નુ શેખચલ્લી
Super humour 😀😀
ReplyDeleteThank you 😊😊
ReplyDelete